વાવાઝોડું ‘શક્તિ’ મહારાષ્ટ્ર, ગુજરાતમાં વિનાશ વેરે એવી શક્યતા

મુંબઈઃ હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘શક્તિ’ વાવાઝોડાને પરિણામે ગુજરાત, મહારાષ્ટ્રમાં ચેતવણી જારી કરી છે. ગુજરાતના દરિયાકાંઠા પર ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં, ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. હવામાન વિભાગના અહેવાલો મુજબ આ વાવાઝોડું હાલમાં દ્વારકાથી આશરે 240 કિલોમીટર દૂર છે અને તે પ્રતિ કલાકે 12 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં આ વાવાઝોડું વધુ જોર પકડીને દ્વારકા તરફ આગળ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે.

હવામાન વિભાગે (IMDએ) અરબી સમુદ્રમાં વિકસતા વાવઝોડા શક્તિને કારણે મહારાષ્ટ્ર માટે ચેતવણી જારી કરી છે. આગામી થોડા દિવસોમાં ભારે વરસાદ, જોરદાર પવન અને સમુદ્રમાં ઊથલપાથલની શક્યતા છે, જેને કારણે તટીય અને આંતરિક જિલ્લાઓમાં સાવચેતી રાખવાની જરૂર છે.

ગુજરાત પર ચક્રવાત ‘શક્તિ’ની સંભાવિત અસર

હવામાન વિભાગના અહેવાલ મુજબ વાવાઝોડું શક્તિ પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. અનુમાન છે કે ચોથી ઓક્ટોબરે આ સિસ્ટમ ગંભીર તોફાનમાં ફેરવાશે અને પાંચ ઓક્ટોબરે મધ્ય અરબ સાગરના ઉત્તરી ભાગ સુધી પહોંચશે. ત્યાર બાદ છ ઓક્ટોબરથી તે પૂર્વ-ઉત્તર પૂર્વ દિશામાં વળી દરિયામાં જ આગળ વધશે. જોકે આ વાવાઝોડાનો પ્રભાવ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠા પર સ્પષ્ટ અનુભવાશે. ખાસ કરીને પાંચથી સાત ઓક્ટોબર વચ્ચે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં અને દરિયાકાંઠે તેજ પવનની શક્યતા છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

મહારાષ્ટ્રમાં શક્તિની અસર

મુંબઈ, થાણે, પાલઘર તથા અન્ય તટીય વિસ્તારોમાં સમુદ્રની સ્થિતિ અત્યંત ખરાબ રહેવાની સંભાવના છે. તેથી માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને પૂરની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.

અધિકારીઓએ તટીય અને જોખમી વિસ્તારોમાં આપત્તિની તૈયારી શરૂ કરી દીધી છે અને લોકોએ સુરક્ષિત રહેવાની હિતાવહ સલાહ આપી છે. લોકોને કહેવામાં આવ્યું છે કે હવામાનની માહિતી પર સતત નજર રાખે અને પૂરતી સાવચેતી રાખે. આ વાવાઝોડામાં પવનની ઝડપ 45થી 65 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેને કારણે સમુદ્રની સ્થિતિ અત્યંત ખરાબ રહેવાની શક્યતા છે. તટીય વિસ્તારોમાં રહેનાર લોકોને હાઈ એલર્ટ પર રહેવાની સલાહ આપવામાં આવી છે.