કોલકાતાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. કોલકાતામાં તેમણે રૂ. 18,680 કરોડથી વધુની વિકાસ યોજનાઓનો પ્રારંભ કર્યો હતો. આ યોજનાઓમાં માર્ગ, રેલવે, બંદર અને શિપિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ સામેલ છે. આ પ્રસંગે યોજાયેલી જનસભામાં PM મોદીએ બંગાળની મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે રાજ્ય સરકારને તાનાશાહી ગણાવી અને કહ્યું કે ટૂંક સમયમાં બંગાળમાં સરકાર બદલાશે અને અહીં કાયદાનું શાસન સ્થાપિત થશે.
એ પહેલાં PM મોદીએ પુરુલિયા–આનંદ વિહાર ટર્મિનલ એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી અને અમૃત ભારત સ્ટેશન યોજનાના અંતર્ગત પશ્ચિમ બંગાળનાં છ પુનર્વિકસિત રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે કોલકાતાની ધરતી પરથી પશ્ચિમ બંગાળ અને પૂર્વ ભારતના વિકાસનો નવો અધ્યાય લખાઈ રહ્યો છે. માર્ગ, રેલવે અને બંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી રૂ. 18,000 કરોડથી વધુની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થયું છે, જેનાથી વેપાર અને ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને લાખો લોકોનું જીવન સરળ બનશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં રેલવેને આધુનિક બનાવવા માટે ઝડપી અભિયાન ચાલી રહ્યું છે અને કેન્દ્ર સરકારનો સંકલ્પ છે કે પશ્ચિમ બંગાળ આ અભિયાનમાં પાછળ ન રહે. તેથી રાજ્યના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પ્રવાસ દરમિયાન તેઓ કોલકાતામાં ભાજપની ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’માં પણ જોડાયા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું હતું કે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડનો ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ બંગાળ દેશને દિશા આપે છે, ત્યારે આ મેદાન બંગાળનો અવાજ બને છે. અંગ્રેજ શાસન સામે અહીંથી ઊઠેલી અવાજે દેશવ્યાપી ક્રાંતિ સર્જી હતી અને અંતે અંગ્રેજોના શોષણનો અંત આવ્યો હતો. આજે અહીંથી નવા બંગાળની ક્રાંતિનો શંખનાદ થયો છે.
તેમણે કહ્યું હતું કે હવે બંગાળમાં નિર્મમ સરકારનો અંત નિશ્ચિત છે અને મહાજંગલરાજનો પણ અંત આવશે. તેમણે આરોપ લગાવ્યો કે ટીએમસીએ આ રેલીમાં આવનારા લોકોને ‘ચોર’ કહી અપમાનિત કર્યા, પરંતુ સાચા ચોર કોણ છે તે બંગાળની સમજદાર જનતા જાણે છે. પોતાની સત્તા જતી જોઈ રાજ્ય સરકાર ગભરાઈ ગઈ છે.


