નવી દિલ્હીઃ દિલ્હીમાં જ્યારથી ભાજપની સરકાર બની છે, ત્યારથી ભૂતપૂર્વ આમ આદમી પાર્ટી સરકારના ઘણા પ્રોજેક્ટ્સની તપાસ શરૂ થઈ છે. ભ્રષ્ટાચારના ગંભીર આરોપો પણ લાગી રહ્યા છે. હવે આ જ કડીમાં બારાપુલા કોરિડોરના તૃતીય તબક્કાના પ્રોજેક્ટનો સમાવેશ થયો છે. CM રેખા ગુપ્તાએ આ મામલામાં તપાસના આદેશ આપી દીધા છે.
કયા મામલે તપાસના આદેશ આપાયા છે?
હકીકતમાં CM રેખા ગુપ્તા અને લોક નિર્માણ વિભાગના મંત્રી પરવેશ વર્મા વચ્ચે એક મહત્વપૂર્ણ ખર્ચ અને નાણાકીય સમિતિની બેઠક યોજવામાં આવી હતી. તે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે બારાપુલા કોરિડોરના પ્રોજેક્ટની તપાસ કરાવવામાં આવશે. એવો દાવો કરવામાં આવ્યું છે કે આ યોજનામાં કરોડો રૂપિયાની ચુકવણી અને અન્ય ઘણી ગેરવહીવટ જોવા મળ્યાં છે. ખાસ કરીને એ મુદ્દો ચર્ચામાં છે કે એક ઠેકેદારને 175 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે, જેને લઈને તપાસ શરૂ થશે.
આમ આદમી પાર્ટીનું શું કહેવું છે?
એક તરફ CM રેખા ગુપ્તા તપાસની વાત કરી રહ્યાં છે, ત્યારે આમ આદમી પાર્ટી આને માત્ર રાજકીય હથિયાર ગણાવી રહી છે. પાર્ટીએ ભારપૂર્વક કહ્યું છે કે જ્યારેથી દિલ્હીમાં ભાજપની સરકાર આવી છે, કામ અટકી પડ્યું છે અને લોકોનું ધ્યાન ભટકાવા માટે આવી કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે રાજકીય બદલો લેવા માટે આ બધા કેસ કરાવવામાં આવી રહ્યા છે.
