SP નેતા હાજી મોહમ્મદ ઉસ્માને સર્કિટ હાઉસમાં નમાઝ પઢતાં વિવાદ

લખનૌઃ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં સર્કિટ હાઉસ પરિસરમાં સમાજવાદી પાર્ટી (SP)ના જિલ્લા ઉપાધ્યક્ષ અને પૂર્વ જિલ્લાપ્રમુખ હાજી મોહમ્મદ ઉસ્માન દ્વારા નમાઝ પઢવાનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયા બાદ વિવાદ ઊભો થયો છે. રાષ્ટ્રીય બજરંગ દળ સહિત અનેક હિન્દુ સંગઠનોએ સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિને લઈને સખત વિરોધ નોંધાવ્યો છે.

આ મામલો ત્રીજી સપ્ટેમ્બરનો હોવાનું જણાવવામાં આવે છે. ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં વિપક્ષના નેતા લાલ બિહારી યાદવ મુરાદાબાદ સર્કિટ હાઉસમાં રોકાયા હતા, જ્યાં તેમણે સપાના કાર્યકરો અને નેતાઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠક પૂરી થયા બાદ ધારાસભ્ય મોહમ્મદ ફહીમ ઇરફાનના કાકા અને સપા નેતા હાજી મોહમ્મદ ઉસ્માને સર્કિટ હાઉસના લોન પાસે પાર્ક કરાયેલી એક કારની બાજુમાં નમાઝ અદા કરી હતી.

FIR નોંધવામાં આવી

આ મામલે PWD વિભાગના સર્કિટ હાઉસના પ્રભારી અને અપર એન્જિનિયર અનિત કુમારની ફરિયાદને આધારે પોલીસે હાજી મોહમ્મદ ઉસ્માન વિરુદ્ધ BNSની કલમ 285 અને 292 હેઠળ નામજોગ કેસ નોંધ્યો છે.

બજરંગ દળે વહીવટી તંત્ર સામે સવાલ ઉઠાવ્યા

સપા નેતા હાજી મોહમ્મદ ઉસ્માન નમાઝ પઢી રહ્યા હતા તેનો વિડિયો સમાજવાદી પાર્ટીના જ કાર્યકરોએ બનાવ્યો હતો. વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થતાં વિવાદ વધુ વકર્યો હતો. વિડિયો વાયરલ થયા બાદ રાષ્ટ્રીય બજરંગ દળના પ્રદેશ અધ્યક્ષ રોહન સક્સેનાએ વહીવટી તંત્રની મંજૂરી અંગે સવાલો ઉઠાવ્યા હતા. બજરંગ દળના નેતાએ કહ્યું હતું કે સરકારી પરિસરમાં નમાજ અદા કરવાની મંજૂરી વહીવટી તંત્રે કયા નિયમ હેઠળ આપી? વહીવટી તંત્રે સ્પષ્ટ કરવું જોઈએ કે સપા નેતાને સર્કિટ હાઉસ પરિસરમાં કઈ હેસિયતથી જગ્યા આપવામાં આવી. શું કોઈ ધારાસભ્યના સગાને સરકારી ઈમારતમાં આવું કરવાની મંજૂરી આપવાનો કોઈ નિયમ છે? જો નહીં, તો કડક કાર્યવાહી થવી જોઈએ.

વહીવટી તંત્રનું વલણ અને હાઈકોર્ટનો આદેશ

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અપર જિલ્લા મેજિસ્ટ્રેટ (નગર) અંકિત શ્રીવાસ્તવે પ્રતિક્રિયા આપી હતી. એડીએમ સિટી અંકિત શ્રીવાસ્તવે કહ્યું હતું કે વિધાન પરિષદમાં વિપક્ષના નેતા લાલ બિહારી યાદવના રોકાણ અંગેનો પ્રોટોકોલ મળ્યો હતો અને નિયમ મુજબ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન તેમને મળવા આવેલા એક સપા નેતા દ્વારા નમાજ અદા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. મામલાની તપાસ ચાલી રહી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.