નવી દિલ્હીઃ લાલ કિલ્લા પાસે થયેલો બોમ્બ વિસ્ફોટ માત્ર એક આતંકી સંગઠનનું પરિણામ નહોતું, તેમાં બે સંગઠનો સામેલ હતાં. વિસ્ફોટ બાદ POKમાં બંને સંગઠનોના આતંકીઓનું જે રીતે સ્વાગત કરવામાં આવ્યું, તેનાથી એ બાબતની પુષ્ટિ થાય છે. તેમની પર ફૂલ વરસાવવાથી લઈને ફૂલોના હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
અગાઉ દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં માત્ર જૈશ-એ-મોહમ્મદનું નામ સામે આવી રહ્યું હતું, પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ કાવતરામાં માત્ર જૈશ જ નહીં, લશ્કર-એ-તૈયબાના આતંકીઓ પણ સામેલ હતા. POKમાં તેમનું શાહી અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું,— ફૂલ વરસાવીને અને ફૂલોના હાર પહેરાવીને.
મોટા આતંકી લીડરોની બેઠક
પ્રાપ્ત માહિતી મુજબ દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ બુધવારે POKના કોઠલી વિસ્તારમાં લશ્કરના મોટા આતંકી અને લીડર અબ્દુલ રઉફ અને રિઝવાન હનીફ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. રિઝવાન હનીફ લશ્કરના POK યુનિટનો ડેપ્યુટી અમીર છે. તે લશ્કર અને જૈશના આતંકીઓ વચ્ચે સંપર્ક જાળવવાનું અને સંકલન કરવાનો મુખ્ય માણસ છે.

લોકોનું બ્રેઈનવોશ કરે છે હનીફ
પ્રાપ્ત માહિતી મુજબ લશ્કરનો આતંકી રિઝવાન હનીફ લોકોને બ્રેઈનવોશ કરવામાં નિષ્ણાત છે. તે નવા લોકોને મળીને તેમનું બ્રેઈનવોશ કરે છે અને તેમને આતંકી તાલીમ કેન્દ્ર સુધી પહોંચાડે છે. સૂત્રો કહે છે કે હનીફ POKમાં યુવાનોની ભરતી, હથિયારોની તસ્કરી અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવે છે.
લાલ કિલ્લા બ્લાસ્ટ કાવતરાનો ખુલાસો
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા આતંકી વિસ્ફોટની તપાસ આગળ વધતાં અધિકારીઓએ ખુલાસો કર્યો હતો કે ઓછામાં ઓછા આઠ આતંકીઓએ ચાર શહેરોમાં વિસ્ફોટ કરવાની યોજના બનાવી હતી અને “કંઈક મોટું” કરવાની તૈયારી માટે લગભગ રૂ. 26 લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા. બધા આઠેય સંદિગ્ધ આતંકીઓએ બે-બે લોકોના જૂથમાં ચાર શહેરોમાં જવાની યોજના બનાવી હતી. દરેક જૂથને અનેક IEDs (ઇમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ) લઈ જવાનું કામ સોંપવામાં આવ્યું હતું.


