ભોપાલઃ કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે કોંગ્રેસ PM મોદીના વિરોધમાં દેશનો પણ વિરોધ કરવા લાગી છે. કેન્દ્રીય મંત્રીએ આ નિવેદન કોંગ્રેસ દ્વારા કારગિલ અને ઓપરેશન સિંદૂર અંગે ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબમાં આપ્યું હતું.
કારગિલ વિજય દિવસના અવસરે કેન્દ્રીય મંત્રી ચૌહાણે કહ્યું હતું કે આજેનો દિવસ ખાસ છે. આપણે સેનાના શૌર્યને નમન કરીએ, તેમના વીરસાહસને નમન કરીએ. અને તેમના બલિદાનને નમન કરીએ જેમણે દેશ માટે પોતાનું જીવન અર્પણ કર્યું હતું.
વર્ષ 2004થી 2009 સુધી યુપીએ સરકાર હતી, ત્યારે કારગિલ વિજય દિવસ મનાવવામાં આવ્યો જ નહોતો. કોંગ્રેસના એક સાંસદે તો અહીં સુધી કહ્યું હતું કે આપણે કેમ ઊજવીએ, કારણ કે આ યુદ્ધ તો NDA સરકાર દરમિયાન થયું હતું. પ્રશ્ન એ થાય છે કે જ્યારે કોઈ દેશ યુદ્ધ કરે છે તો તે શું કોઈ સરકાર માટે કરે છે? આવા પ્રશ્નો ઊભા કરવા દેશભક્તિ ગણાય?
તેમણે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ માત્ર કારગિલ યુદ્ધ જ નહીં, પણ ઓપરેશન સિંદૂર પર પણ પ્રશ્ન ઊભા કરે છે, જે ખોટું છે. કોંગ્રેસ દેશને નુકસાન પહોંચાડવામાં લાગી છે અને તેની વિચારસરણી રાષ્ટ્રવિરોધી થઈ ગઈ છે. PM મોદીના વિરોધમાં કોંગ્રેસ હવે દેશનો વિરોધ કરવા લાગી છે. તેના નેતાઓ પાકિસ્તાન જેવી વાતો કરે છે, જેને પાકિસ્તાન દુનિયામાં ઉદાહરણરૂપ રજૂ કરે છે. પણ અમે તો અમારી સેનાના શૌર્યને સલામ કરીએ છીએ.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા હાલમાં જ પછાત વર્ગ અંગે આપવામાં આવેલા નિવેદન પર ચૌહાણે ટિપ્પણી કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીને બધું સમજવામાં ઘણું મોડું થાય છે. પહેલાં તેમણે ઇમરજન્સી માટે માફી માગી, પછી શીખ રમખાણો માટે માફી માગી અને હવે ઓબીસી સમાજ માટે પણ માફી માગી. કોંગ્રેસે ઓબીસી માટે કર્યું શું છે તે તેમણે જણાવવું જોઈએ.
