યુદ્ધવિરામમાં અમેરિકાની મધ્યસ્થી મુદ્દે કોંગ્રેસે સરકાર પર ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હીઃ કોંગ્રેસે ભારત અને પાકિસ્તાનની વચ્ચે અમેરિકાની મધ્યસ્થતાને લઈને ફરી સવાલ ઊભા કરતાં કહ્યું હતું કે સરકારે એ જણાવવું પડશે કે એણે દ્વિપક્ષી મામલામાં ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ સ્વીકાર કેમ કરી લીધો? પાર્ટી મહા સચિવ ભૂપેશ બઘેલે પહેલગામ આતંકવાદી હુમલાને લઈને સરકારના સ્તરે જવાબદારી નક્કી કરવાની માગ પણ કરતાં સવાલ કર્યો હતો કે ગૃહ મંત્રી અમિત શાહ રાજીનામું આપશે? તેમણે કહ્યું હતું કે સરકારે આખા ઘટનાક્રમ પર સર્વપક્ષી બેઠક અને સંસદનું વિશેષ સત્ર બોલાવીને સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. આ સાથે સર્વપક્ષી બેઠકમાં PM મોદીએ ફરજિયાત સામેલ થવું જોઈએ.

પહલગામ હુમલા બાદ ભારતે ચલાવેલા ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સતત ચાર દિવસ સુધી ચાલેલા સંઘર્ષ બાદ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ યુદ્ધવિરામની જાહેરાત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરથી કરવામાં આવી હતી. ત્યાર બાદ ભારત અને પાકિસ્તાનનાં સૈન્ય અધિકારીઓએ માહિતી જણાવી હતી. આ સીઝફાયરની જાહેરાત મુદ્દે વિપક્ષ ભાજપ પર સતત સવાલ ઉઠાવી રહ્યો છે.

BSF જવાનની મુક્તિ મુદ્દે કર્યો પ્રશ્ન

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે યુદ્ધવિરામ અંગેની માહિતી PM મોદીએ જણાવી નહોતી, પરંતુ તેની જાણકારી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી હતી. આ મુદ્દે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને ટેગ કરીને સોશિયલ મfડિયા પોસ્ટ પર લખ્યું હતું કે અમારા BSF જવાન પૂર્ણમ સાહુને પાકિસ્તાનની કેદમાંથી ક્યારે મુક્ત કરવામાં આવશે?

કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો સ્વીકાર?

હાલમાં જ યુદ્ધવિરામ પર કોંગ્રેસે સરકાર પાસેથી જવાબ માગ્યો હતો કે શું તેમણે કાશ્મીરના મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો સ્વીકાર કરી કીધો છે? કોંગ્રેસે આ મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાની ટીકા કરી હતી. કોંગ્રેસનાં મહાસચિવ સચિન પાયલટે કહ્યું હતુ કે ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામની જાહેરાત કરવાનું પગલું અભૂતપૂર્વ હતું અને તે ઘણા પ્રશ્નો ઉઠાવનાર છે. તેમણે કહ્યું  હતું કે વર્તમાન પરિસ્થિતિમાં સરકારે વડા પ્રધાનની અધ્યક્ષતામાં બીજી સર્વપક્ષી બેઠક બોલાવવાની અને આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની વિપક્ષની માગ સ્વીકારવી જોઈએ.