EDની ચાર્જશીટની વિરુદ્ધ કોંગ્રેસનું દેશભરમાં વિરોધ પ્રદર્શન

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED એ) કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સામ પિત્રોડા અને સુમન દુબેનાં નામનો સમાવેશ થાય છે. એના વિરોધમાં પાર્ટી આજે  દેશભરમાં ED ઓફિસોની બહાર વિરોધ પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે એવું કહ્યું હતું કે પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ ધમકી આપવાનું કામ કરી રહ્યા હતા.

કોંગ્રેસ મહાસચિવ સંગઠન કેસી વેણુગોપાલે કહ્યું હતું કે PM મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સરકારની વિપક્ષ સામે બદલાની ભાવનાની કોઈ મર્યાદા નથી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ રાજકારણથી પ્રેરિત અને બનાવટી નેશનલ હેરાલ્ડ મામલાનો ઉપયોગ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે જેથી વિપક્ષનો અવાજ દબાઈ જાય. આ PM અને ગૃહ મંત્રીની હતાશાને દર્શાવે છે, જે લોકોની ચિંતાઓને દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેઓ સતત ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે બુધવારે દેશભરમાં EDની ઓફિસો બહાર વિરોધ પ્રદર્શન કરીશું અને આ પ્રકારની બદલો લેવાની અને ધાકધમકીના રાજકારણ સામે અમારો મજબૂત વિરોધ નોંધાવીશું.

EDનો આરોપ છે કે કોંગ્રેસના નેતાઓએ એક ષડયંત્રના ભાગરૂપે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ને ખાનગી માલિકીની કંપની ‘યંગ ઇન્ડિયન’ દ્વારા માત્ર રૂ. 50 લાખમાં તેની રૂ. 2000 કરોડની મિલકતો પર કબજો કરવા માટે હસ્તગત કરી હતી. સોનિયા અને રાહુલ આ કંપનીના 76 ટકા હિસ્સો ધરાવે છે. આ કેસમાં ‘ગુનામાંથી મળેલી આવક’ 988 કરોડ રૂપિયા છે એવું માનવામાં આવતું હતું. આ ઉપરાંત સંકળાયેલી સંપત્તિનું બજારમૂલ્ય રૂ. 5000 કરોડ છે.