ચીનની ધરતી પરથી પહેલગામ હુમલાની નિંદાઃ SCOનું નિવેદન

નવી દિલ્હીઃ SCO સમિટમાં ભારતની મોટી કૂટનીતિક જીત થઈ છે. પહેલગામ આતંકી હુમલા અંગે બધા દેશોએ એક સ્વરે તેની નિંદા કરી છે. PM નરેન્દ્ર મોદીએ પણ પોતાના નિવેદનમાં પહેલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. હવે SCO દેશોએ તેનો સમર્થન કર્યું છે અને આતંકવાદ અંગે એક નિવેદન જાહેર કર્યું છે. આનાથી વધુ ચીનની ધરતી પરથી પાકિસ્તાનની હાજરીમાં આ નિવેદન આવ્યું છે.

SCOએ જાહેર નિવેદનમાં કહ્યું છે કે બધા દેશો 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરે છે. મૃતકોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે. આવા હુમલાના ગુનેગારો, આયોજનકર્તાઓ અને પ્રાયોજકોને ન્યાયના કઠેડા સુધી લાવવામાં આવશે.

આ પહેલાં PM મોદીએ SCO બેઠકમાં નામ લીધા વગર પાકિસ્તાનને ઘેર્યું હતું અને આતંકવાદ પર ઘણી આકરી વાતો કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે આ વર્ષે ભારતે સંયુક્ત માહિતી ઓપરેશન્સ (Joint Information Operations)ને લીડ કરતાં આતંકી સંગઠનો સામે લડવાની પહેલ કરી છે. ટેરર ફાઇનાન્સિંગ સામે અવાજ ઉઠાવ્યો છે. આ માટે મારા સમર્થન બદલ હું આભાર વ્યક્ત કરું છું. ભારત છેલ્લા ચાર દાયકાથી આતંકવાદનો માર સહન કરી રહ્યું છે. કેટલાંય બાળકો ગુમાવ્યાં છે અને કેટલાંય બાળકો અનાથ બની ગયાં છે. હમણાં જ પહેલગામમાં આતંકવાદનું અત્યંત ઘૃણાસ્પદ રૂપ જોયું છે. આ દુખની ઘડીમાં જે મિત્ર દેશો અમારા સાથે ઊભા રહ્યા છે, હું તેમનો આભાર માનું છું.

તેમણે પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આ (પહલગામ) હુમલો માનવતામાં વિશ્વાસ ધરાવતા દરેક દેશ અને વ્યક્તિ માટે ખુલ્લો પડકાર હતો. એવા સમયે પ્રશ્ન ઊઠવો સ્વાભાવિક છે કે શું કેટલાક દેશો દ્વારા આતંકવાદને ખુલ્લો ટેકો આપવો આપણને સ્વીકાર્ય હોઈ શકે? આપણે સ્પષ્ટ રીતે અને એક સ્વરે કહેવું પડશે કે આતંકવાદ પર કોઈ પણ દ્વિધા માપદંડ સ્વીકાર્ય નહીં હોય.