અમેરિકામાં નાદાર થઈ રહી છે કંપનીઓઃ 15 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના દેશને ફરી મહાન બનાવવા માગે છે અને આ માટે તેમણે વિશ્વના ઘણા દેશો પર ટેરિફ લગાવ્યા છે, પરંતુ અમેરિકામાં નાદાર થતી કંપનીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. 2025ની પહેલી ત્રિમાસિકમાં અમેરિકામાં 188 મોટી કંપનીઓ નાદાર જાહેર થઈ છે, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિકની તુલનામાં આ 49 વધુ છે.

આ વર્ષે 2010 પછીની કોઈ એક ત્રિમાસિકમાં નાદાર થનારી કંપનીઓની સૌથી મોટી સંખ્યા છે. અહીં સુધી કે 2020માં આવેલા કોરોના કાળમાં પણ આ નાદારીની સંખ્યા 150ને પાર નહોતી થઈ. આ રીતે અમેરિકામાં મોટી કંપનીઓના નાદારી થવાની બાબતમાં 15 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ગયા વર્ષે દેશમાં કુલ 694 મોટી કંપનીઓ નાદાર થઈ હતી.

વર્ષ 2025ની પહેલી ત્રિમાસિકમાં અમેરિકામાં સૌથી વધુ ઈન્ડસ્ટ્રિયલ સેક્ટરની 32 કંપનીઓ નાદાર થઈ હતી. તેવી જ રીતે કન્ઝ્યુમર સેક્ટરની 24 અને હેલ્થકેર સેક્ટરની 13 કંપનીઓએ નાદારી જાહેર કરી દીધી હતી.

વિદેશી માલ પર ટેરિફ લાગવાથી દેશમાં મોંઘવારી વધી શકે છે અને દેશ મંદી તરફ વધી શકે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 245 ટકાનો ટેરિફ લગાવ્યો છે. જેના કારણે અમેરિકાની અનેક કંપનીઓ ચીનમાંથી પોતાનું ધંધું સમેટવાની તૈયારીમાં છે. જો તે કંપનીઓ અમેરિકામાં માલ બનાવે છે તો આ કામ તેમની માટે ખૂબ જ મોંઘો સાબિત થઈ શકે છે. એટલે કે આવતા દિવસોમાં વધુ કેટલીક કંપનીઓ નાદાર જાહેર થવાની શક્યતા છે.

મંદીની આશંકા
વર્ષ 2010ની પહેલા ત્રિમાસિકમાં 254 કંપનીઓ નાદાર થઈ હતી જ્યારે ગયા વર્ષે પહેલી ત્રિમાસિકમાં 139 કંપનીઓ નાદાર થઈ હતી. જાણકારોનું કહેવું છે કે ટેરિફ યુદ્ધથી તેમની સ્થિતિ વધુ ખરાબ બનશે. મોંઘવારી વધવાથી લોકો પૈસા ખર્ચ કરવાનું ટાળશે, જેના કારણે માગમાં ઘટાડો થશે અને મંદી આવી શકે છે.