100 યુનિટ વીજળી મફત આપવાની CM નીતીશની જાહેરાત

પટનાઃ બિહારમાં વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે. આવા સમયે CM નીતીશકુમારે એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત પછી રાજકીય ગરમાવો વધી ગયો છે. ચૂંટણી પહેલાં નીતીશ સરકારે જનતાને મોટી ભેટ આપી છે અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ દાવ ચાલ્યો છે.

બિહાર સરકાર રાજ્યના દરેક પરિવારને 100 યુનિટ સુધી મફત વીજળી આપવાની યોજના બનાવી રહી છે. ઊર્જા વિભાગના પ્રસ્તાવને નાણાં વિભાગે મંજૂરી આપી દીધી છે અને હવે કેબિનેટમાં બહુ જલદી એ સંબંધિત પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.

ચૂંટણીના વર્ષમાં સીધી રાહત

આ યોજના અમલમાં આવ્યા પછી લાખો વીજળીના વપરાશકર્તાઓને સીધો લાભ મળશે. 100 યુનિટ મફત વીજળીથી દરેક પરિવારને દર મહિને વીજ બિલમાં મોટો હળવો અનુભવાશે અને તેમનાં ખિસ્સાં પરનો ભાર ઘટશે. તે માસિક થોડા રૂપિયાની બચત કરી શકશે. હવે તમામની નજર કેબિનેટની બેઠક પર છે જ્યાં આ યોજનાને અંતિમ મંજૂરી મળવાની શક્યતા છે. જો બધું આયોજન મુજબ રહેશે, તો બિહારના લાખો પરિવારોને વીજળીના બિલમાં મોટી રાહત મળશે.

બિહારમાં 2025માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તમામ રાજકીય પાર્ટીઓ પોતપોતાની મતબેંકને મજબૂત બનાવવા માટે લાગી ગઈ છે. આવી સ્થિતિમાં નીતીશ સરકારનો આ દાવ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. તે સીધા પરિવારો સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે, જ્યારે વિરોધ પક્ષો પણ આ યોજના પર પોતાની પ્રતિક્રિયા આપવાની તૈયારીમાં છે.

કેન્દ્ર સરકાર પણ વીજ બિલમાં રાહત આપવા માટે ‘PM સૂર્ય ઘર મફત વીજળી યોજના’ ચલાવી રહી છે. આ યોજના અંતર્ગત ફાયદો મેળવવા માટે અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ, ઘરની છત પર સોલર પેનલ લગાવવા માટે જગ્યા હોવી જોઈએ અને વીજ કનેક્શન હોવું જોઈએ. આ સાથે પેનલ માટે અગાઉ કોઈ સબસિડી ન મળી હોય તે પણ જરૂરી છે.