ગૌહાટીઃ આસામના CM હિમંતા બિસ્વા સરમાએ ધુબરી જિલ્લામાં સાંપ્રદાયિક ટેન્શનને ખાળવા માટે ઉપદ્રવીઓને દેખો ત્યાં ઠાર કરવાના આદેશ આપ્યા છે. બાંગ્લાદેશની સરહદે આવેલા આ જિલ્લાના હિંસા પ્રભાવિત વિસ્તારો ગૌમાંસ ફેંકવાની ઘટના ક્યારેય ના થવી જોઈએ. એમાં સામેલ લોકોને છોડવામાં નહીં આવે. તેમણે કહ્યું હતું કે ધુબરી જિલ્લામાં રાત્રે દેખો ત્યાં ઠાર કરવાનો આદેશ લાગુ કરવામાં આવ્યો છે. CMએ તેમના ધુબરી પ્રવાસમાં કહ્યું હતું કે મારા ગૌહાટી પહોંચતાંની સાથે જ આ આદેશ જારી કરવામાં આવશે તેમ જ રાત્રે બહાર ફરનારા અથવા પથ્થરમારો કરનારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે.
શું છે ઘટના?
CM હિમંતા બિસ્વા સરમાએ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ધુબરીની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે કહ્યું હતું કે જિલ્લામાં રેપિડ એક્શન ફોર્સ (RAF) અને CRPF જવાનો તૈનાત કરવામાં આવશે તેમ જ ધુબરીમાં તમામ ગુનેગારોની ધરપકડ કરવામાં આવશે.
🚩जय श्री राम
धुबरी में हम सांप्रदायिक ताकतों का पूरी तरह अंत करेंगे, और यहाँ के हनुमान मंदिर को भव्य रूप देने के लिए मैं स्वयं योगदान दूँगा। pic.twitter.com/gyMhN2dgBr
— Himanta Biswa Sarma (@himantabiswa) June 14, 2025
આ ઘટના અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે બકરી ઇદના બીજા દિવસે 7 જૂને જિલ્લા મુખ્યાલયમાં હનુમાન મંદિરની સામે એક ગાયનું માથું મળી આવ્યું હતું. ‘નબીન બાંગ્લા’ નામના સંગઠને બકરી ઈદ પહેલાં ઉશ્કેરણીજનક પોસ્ટરો લગાવ્યાં હતાં, તેમાં ધુબરીને બાંગ્લાદેશમાં ભેળવી દેવાની વાત કરવામાં આવી હતી, જેને સરકાર સહન કરી નહિ લે.
રાજ્યના સાર્વભૌમત્વ પર સીધો હુમલો
CMએ આ ઘટનાને રાજ્યના સાર્વભૌમત્વ પર સીધો હુમલો ગણાવ્યો અને કહ્યું હતું કે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને RAFના જવાનોને તૈનાત કરવામાં આવશે. કાયદો પોતાના હાથમાં લેનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ટૂંક સમયમાં બધા ગુનેગારોની ઓળખ કરીને ધરપકડ કરવામાં આવશે.
આ વખતે બકરી ઇદના પ્રસંગે પશ્ચિમ બંગાળથી હજારો પશુઓ ધુબરી લાવવામાં આવ્યા હતા અને એક નવા બીફ માફિયા સક્રિય થયા છે, જેણે મોટા પાયે પશુઓ ખરીદ્યા હતા. આ મામલાની તપાસ થશે અને ગેરકાયદે વેપારમાં સામેલ લોકોની ધરપકડ કરવામાં આવશે. ‘રાજ્ય સરકાર ધુબરીમાં કોઈ પણ પ્રકારના સાંપ્રદાયિક કાવતરાને સફળ થવા દેશે નહીં. ધુબરી આપણા હાથમાંથી જશે નહીં. જરૂર પડશે તો હું પોતે આખી રાત હનુમાન મંદિરની દેખરેખ રાખીશ, એમ તેમણે કહ્યું હતું.
