સુરત: રાજ્યમાં ચોમાસું જામ્યું છે. જામનગર અને જૂનાગઢ બાદ આજે સોમવારે મેઘરાજાએ સુરતને ધમરોળ્યું છે. સવારે બે કલાકમાં જ છ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા છે. જેના લીધે આજે સુરત શહેરની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
જનજીવન અસ્ત-વ્યસ્ત
સુરતથી મળતાં અહેવાલો અનુસાર અડાજણ પાટિયા પાસેનો રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. અનેક લોકોના વાહનો ઘૂંટણ સમા પાણીમાં ભરાઈ જવાથી ટ્રાફિક પોલીસના કર્મીઓ દ્વારા પણ લોકોને મદદ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું અને ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.
દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રવિવાર રાત્રે મૂશળધાર વરસાદ બાદ, આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસતાં શહેરભરમાં વરસાદી માહોલ છવાઈ ગયો. આ ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાના શરુ થતાં, જનજીવન પર તેની અસર સ્પષ્ટ જોવા મળી. સવારે આઠથી દસ દરમિયાન માત્ર બે કલાકમાં પોણા છ ઇંચ વરસાદને લીધે શહેરમાં ચારેબાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન થંભી ગયું હતું.
(અરવિંદ ગોંડલિયા- સુરત)
