જમ્મુ-કાશ્મીરના રામબનમાં વાદળ ફાટ્યું: ત્રણનાં મોત

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રામબનમાં વાદળ ફાટ્યું છે. આ કુદરતી કહેરે ત્રણ લોકોનાં મોત થયાં છે. અનેક ઘરોને પણ નુકસાન થયું છે. હાલ પણ જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે. આ વાદળ ફાટવાની ઘટના રામબનના રાજગઢ વિસ્તારમાં બની છે, જેને કારણે ત્યાં ફ્લેશ ફ્લડ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ચાર લોકો લાપતા છે.

પ્રારંભિક માહિતી મુજબ વાદળ ફાટવાથી અનેક ઘરોને નુકસાન થયું છે, કેટલાંક તો સંપૂર્ણપણે વહી ગયાં છે. પ્રશાસને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે, બચાવ કાર્ય ચાલુ છે. લાપતા લોકોને શોધવા પણ એક મોટો પડકાર બની ગયો છે. ઘણા રસ્તા પર અવરોધ છે અને મુખ્ય માર્ગથી સંપર્ક તૂટી ગયો છે. અસરગ્રસ્ત પરિવારો માટે તાત્કાલિક રાહત કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં છે. સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે રાજગઢ, રામબનના ગડગ્રામ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની છે. ત્રણ મૃતદેહો મળ્યા છે, લાપતા લોકોની શોધ ચાલુ છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક અધિકારીઓ પહોંચ્યા છે.

રામબનના ઉપાયુક્ત ઇલિયાસ ખાન સહિતના વરિષ્ઠ પ્રશાસનિક અધિકારીઓ રાત્રે લગભગ બે વાગ્યે બચાવ અને રાહત કાર્યોની સ્થિતિનું નિરીક્ષણ કરવા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આખું પ્રશાસન હાઈ અલર્ટ પર છે. પરિસ્થિતિને સંભાળવા અને અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાય પૂરી પાડવા માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે.