નવી દિલ્હીઃ ભાજપના નેતૃત્વવાળા NDAએએ બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને બેઠક વહેંચણી કરી દીધી છે. તેમાં JDU અને ભાજપને 101-101 બેઠકો, LJP (R)ને 29 બેઠકો, જ્યારે હિન્દુસ્તાની અવામ મોર્ચા (સેક્યુલર) અને RLMને 6-6 બેઠકો મળી છે.
NDAમાં બેઠક વહેંચણી પછી નવી તકરાર થઈ છે. JDUની કેટલીક બેઠકો ચિરાગ પાસવાનની પાર્ટીના ખાતામાં ગઈ છે, જેને કારણે કેટલીક બેઠકોને લઈને પેચ ફસાઈ ગયો છે. હાલની બેઠક વહેંચણી મુજબ ભાજપ અને JDU સમાન સંખ્યામાં બેઠકો પર લડશે, જ્યારે JDU વધુ બેઠકો પર લડી “મોટા ભાઈ”ની ભૂમિકા નિભાવવા ઈચ્છતી હતી. આ મુદ્દે બિહારના CM નીતીશ કુમાર નારાજ છે. આ અંગે પટનાના CM નિવાસસ્થાને JDUની બેઠક ચાલી રહી છે અને સૂત્રોના જણાવ્યા મુજબ સમાધાનનો રસ્તો શોધવાની કોશિશ થઈ રહી છે.
NDAમાં સંકટ
પટનામાં એમએલસી ફ્લેટમાં ભાજપના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્ય પ્રભારી વિનોદ તાવડે, બિહાર ભાજપપ્રમુખ દિલીપ જયસવાલ અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે 14 ઓક્ટોબરે બેઠક કરી હતી. આ બેઠકમાં બેઠક વહેંચણીના વિવાદો ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ સૂત્રોનો દાવો છે કે NDAમાં સંકટ ઘેરું બની શકે છે, કારણ કે ચિરાગ પાસવાન 29માંથી એક પણ બેઠક ઓછી પર રાજી નથી. તેઓ પોતાના હિસ્સાની બેઠકો અન્ય સાથી પક્ષોને આપવા તૈયાર નથી. બેઠક વહેંચણીને લઈને LJP (R)એ કડક વલણ અપનાવ્યું છે, જ્યારે JDUની કેટલીક બેઠકો ચિરાગના ખાતામાં ગઈ છે. LJP આ મુદ્દે કોઈ સમજૂતી કરવા તૈયાર નથી.
