રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરાવવા મધ્યસ્થતા કરશે ચીન

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે તેમની મુલાકાત સફળ રહી હતી. બંને દેશો વચ્ચે ચાલુ તણાવના મુદ્દાઓ પર ચર્ચા થઈ. અમેરિકન રાષ્ટ્રપતિએ જાહેરાત કરી કે તેઓ આવતા વર્ષે એપ્રિલમાં ચીનનો પ્રવાસ કરશે.

તેમણે કહ્યું હતું કે તેઓ એપ્રિલમાં ચીન જશે અને શી જિનપિંગ બાદમાં અમેરિકા આવશે, તેમ છતાં ચીન તરફથી આ ચર્ચા અંગે હજી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ટ્રમ્પે જણાવ્યું હતું કે જિનપિંગે યુક્રેન યુદ્ધ ખતમ કરવા માટે અમેરિકાની સાથે મળીને કામ કરવાની સંમતિ આપી છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે બંને નેતાઓ સાથે મળીને કામ કરવા પર સંમતિએ પહોંચ્યા છે કે જેથી જોઈ શકાય કે આ યુદ્ધ ખતમ કરવામાં મદદ થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે અમે સંમત છીએ કે બંને પક્ષો એક-બીજા સાથે લડી રહ્યા છે અને ક્યારેક તમને તેમને લડવા દેવું પડે, પરંતુ (શી) અમારી મદદ કરશે અને અમે યુક્રેન મુદ્દે સાથે મળી કામ કરીશું. અમે આથી વધુ કંઈ કરી શકતા નથી.

ટ્રમ્પે જણાવ્યું હતું કે રશિયન તેલ ખરીદવા અંગે ચીન સાથે કોઈ ચર્ચા થઈ નહોતી. ટ્રમ્પે ગયા અઠવાડિયે રશિયાની બે મુખ્ય તેલ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યા હતા, જેને કારણે ચીની અને ભારતીય કંપનીઓના કેટલાક તેલ ઓર્ડર રદ અથવા સ્થગિત થયા હતા. અત્યાર સુધી વિશ્વના બે સૌથી વધુ વસ્તીવાળા દેશોએ રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા અમેરિકાની અગાઉની અપીલનો મોટા પ્રમાણમાં વિરોધ કર્યો છે.