બીજિંગઃ ચીન અને તાઇવાનની વચ્ચે ટેન્શન વધી રહ્યું છે. ચીનની સેનાએ તાઈવાનની ચારે બાજુ યુદ્ધ અભ્યાસ શરૂ કરી દીધો છે. ચીનની સેનાના પૂર્વ કમાન્ડના સત્તાવાર વીચેટ એકાઉન્ટ પર આ માહિતી આપવામાં આવી છે, જેમાં ચીનની સેનાના જોઈન્ટ ફોર્સ, નેવી અને રોકેટ ફોર્સ આ અભ્યાસમાં હિસ્સો લઈ રહ્યા છે.
ચીનનું કહેવું છે કે આ અભ્યાસ તાઇવાનની સ્વતંત્રતાનું સમર્થન કરતાં લોકો માટે એક ચેતવણી છે. તાજેતરમાં ચીનને તાઇવાન પર રાજકીય અને સૈન્ય દબાણ વધાર્યું છે. ચીન તાઇવાનને તેનો હિસ્સો માનતું હોવાથી આ સૈન્ય અભ્યાસ તાઇવાન માટે ધમકીના રૂપમાં જોવામાં આવે છે.
ચીનની સેનાએ કહ્યું કે, મિલિટરી એક્સરસાઇઝનો હેતુ તાઇવાનમાં કથિત અલગતાવાદીઓને કડક ચેતવણી આપવાનો છે. ચીને થોડા સમય પહેલાં કહ્યું હતું કે તેઓ તાઇવાનને તેમની સાથે ભેળવી દેશે અને આ માટે બળ પ્રયોગ એક વિકલ્પ હોઇ શકે છે. ચીનની સેના મુજબ યુદ્ધ અભ્યાસનો મુખ્ય હેતુ સમુદ્ર અને હવામાં યુદ્ધની તૈયારી કરવાનો છે. આ ઉપરાંત દરિયાઈ અને જમીન પર હુમલા સૈન્યની સંયુક્ત તાકાત વધારવી તથા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં દરિયાઈ રસ્તો ઘેરવાની વ્યૂહરચના પર કામ ચાલી રહ્યું છે.
ગયા મહિને પણ ચીનની સેનાએ તાઇવાન પાસે સૈન્ય અભ્યાસ કર્યો હતો. પરંતુ તેની કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નહોતી. તેમ છતાં એક મોટો સૈન્ય અભ્યાસ ખતમ થયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. બીજિંગના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વૂ કિયાને જણાવ્યું હતું કે પીએલએના પૂર્વ થિયેટર કમાન્ડની નૌસેના અને વાયુસેનાએ તાજેતરમાં સંયુક્ત અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ તાઇવાન પર નજર રાખવા માટે કરવામાં આવ્યો હતો.
