અમેરિકા: ભારતની લોકસભા ચૂંટણીનો રંગ માત્ર દેશવાસીઓને જ નહીં પરંતુ વિદેશમાં વસતા ભારતીયો પર પણ ચઢ્યો છે. સમગ્ર વિશ્વની નજર સૌથી મોટા લોકશાહીના પર્વ પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ ‘અબ કી બાર 400 પાર’નો નારો આપી રહ્યા છે. વિદેશોમાં પણ આ ગુંજ સંભળાઈ રહી છે. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ભાજપ દ્વારા અમેરિકાના વિવિધ શહેરોમાં કાર્યક્રમો યોજાયા હતા. કેલિફોર્નિયાના લોસ એન્જલસના હોલિવુડ કોનાર્ક થીએટર્સ ખાતે પણ બી.જે.પી. કાર્યકરો અને સમર્થકોએ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અમેરિકાના 16થી વધુ શહરોમાં ભાજપના સમર્થનમાં રેલી અને સભા યોજી અને નરેદ્ર મોદીની તરફેણમાં ભાજપને મત આપવા આહવાન કર્યું હતું.કેલિફોર્નિયામાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીની વેસ્ટ ઝોન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભારતીય અમેરિકનો, હોદ્દેદારો, કાર્યકરો અને ભાજપ સમર્થકોએ હાજરી આપી હતી. જ્યાં નરેન્દ્ર મોદી સરકારના સાહસિક કર્યો, યોજનાઓ, વ્યાપાર અને વિદેશ નીતિ સહિતની ઉપલબ્ધિઓ તેમજ તે થકી ઊભી થયેલ વૈશ્વિક પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠાની વિગતોની ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે સાઉથ એશિયન બિઝનેસ નેટવર્કના વાઇસ ચેરમેન યોગી પટેલે જણાવ્યું હતું કે, “નરેન્દ્ર મોદીની સરકારમાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થયું, કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી છે. મુસ્લિમ બહેનોને ટ્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવી છે. ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવાની ખાતરી આપી છે. આથી અને લોકો મોદી સરકારને સમર્થન આપીએ છીએ.”