રાજકોટ: રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ વાલ્મીકિ સમાજના એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણી ને લઈને રાજ્યભરમાં વિવાદ વકરી રહ્યો છે. ત્યારે રાજકોટની મુલાકાતે પહોંચેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમારે ચર્ચા ચાલી રહી છે. એક-બે દિવસમાં આ વિવાદનો અંત આવી જશે.
ગુરૂવારે રાજકોટની મુલાકાતે આવેલા સી. આ. પાટિલે પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વિવાદ મામલે પરશોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી છે. આમ છતાં અમારી ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે વાટાઘાટો ચાલી રહી છે. ટૂંક સમયમાં જ આ વિવાદમાં ઘીના ઠામમાં ઘી પડી જશે.
પ્રદેશ ભાજપ પ્રમુખે પક્ષમાં ઉભરી રહેલા અસંતોષ અંગે કહ્યું હતું કે, પક્ષમાં કોઈ ગેરશિસ્ત ચલાવી લેવાશે નહિ. જો કોઈ આગેવાન એવું કરશે તો તેમની સામે કડક પગલાં લેવાશે. ગુજરાતના એક ધારાસભ્યએ એક મહિલા કાર્યકર સાથે અયોગ્ય વર્તન કર્યાના મામલે પણ પક્ષ યોગ્ય તપાસ કરશે.
કોંગ્રેસના આગેવાનોને ભાજપમાં સામેલ કરવાના મુદ્દે તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે , વિપક્ષને નબળો પાડવા આ પક્ષની એક રણનીતિનો ભાગ છે. પક્ષનું નેતૃત્વ નક્કી કરે છે કે કોને ભાજપમાં પ્રવેશ આપવો કે નહીં. અનેક આગેવાનોને ના પાડવામાં પણ આવી છે. કોંગ્રેસના લોકોને બિનશરતી ભાજપમાં સામેલ કરવામાં આવે છે. વાત ટિકિટ આપવાની છે તો એ હાઈ કમાન્ડ નક્કી કરે છે.
રાજકોટમાં સી.આર. પાટિલે પક્ષના સોશિયલ મીડિયાના કાર્યકરો સાથે મિટિંગ કરી હતી. અને કેટલીક સૂચનાઓ આપી હતી.
દેવેન્દ્ર જાની (રાજકોટ)
તસવીરો: નીશુ કાચા