અમદાવાદઃ કોરોના વાઇરસના પ્રકોપને કારણે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં ભારે ગભરાટભર્યું વાતાવરણ છે. શેરબજારોના ઇતિહાસમાં આવો ગભરાટ ક્યારેય જોવા નથી મળ્યો. ફોરેન ફંડો છેલ્લા કેટલાક દિવસથી સતત મોટા પાયે વેચવાલી કરી રહ્યા છે અને જે રીતે બજાર તૂટી રહ્યાં છે એ બજાર હજી કેટલું તળિયું બનાવશે એ જોઈ કહેવું મુશ્કેલ છે. જેથી રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. વળી આજે લીધેલા શેરો બીજા દિવસે ઓર ઘટે છે અને નીચી કિંમતે મળી રહ્યા છે. જેથી રોકાણકારો નવું કંઈ પણ ખરીદવાથી દૂર થયા છે. બજારમાં શોર્ટ સેલિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે એની અટકળો તો ચાલી રહી છે, પણ મુંબઈ શેરબજાર 10 દિવસ માટે બંધ કરવાના સાચાખોટા અહેવાલ પણ ફરી રહ્યા છે.
શેરબજારની અંદર સક્રિય એક બ્રોકરે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, કોરોના વાઇરસનોનો ડર દેશમાં ખૂબ વધી રહ્યો છે અને તેના કારણે સ્ટોક માર્કેટમાં રોજ 1500થી વધુ પોઈન્ટ્સનો કડાકો બોલી જાય છે. આ તમામ પાસાઓને જોતા બજારને એક સપ્તાહ અથવા તો 10 દિવસ માટે બંધ કરવાની ચર્ચા થઇ રહી છે. જોકે હજી સુધી તો સત્તાવાર રીતે આ વિશે કોઈ નિર્ણય લેવાયો નથી પણ જો આવું થાય તો તે ભારતીય શેરબજાર માટેનો ઐતિહાસિક નિર્ણય ગણાશે.