સેન્સેક્સ 581 પોઇન્ટ તૂટ્યો : નિફ્ટી પણ નીચલી સપાટીએ

અમદાવાદઃ ભારતીય શેરબજાર બજાર સતત ચોથા દિવસે ઘટીને બંધ રહ્યાં હતાં. કોરોના વાઇરસના પ્રકોપને કારણે વૈશ્વિક બજારમાં વ્યાપેલી મંદીની અસર સ્થાનિક શેરબજાર પર પડી હતી. બજાર ખૂલતામાં જ 2600 પોઇન્ટ જેટલું તૂટી ગયું હતું. નિફ્ટી ઇન્ડેક્સ પણ 38 મહિનાના તળિયે પહોંચ્યો હતો. મેટલ ઇન્ડેક્સ 11 વર્ષના તળિયે પહોંચ્યો હતો, જ્યારે ઓટો ઇન્ડેક્સ છ વર્ષના તળિયે પહોંચ્યો હતો. જોકે ગભરાટ શમતાં નીચા મથાળેથી શેરોમાં નીચા મથાળેથી બજાર ઊંચકાયું હતું અને છેલ્લે સેન્સેક્સ 581 પોઇન્ટ તૂટીને 28,288 પોઇન્ટ બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 205 પોઇન્ટ તૂટીને 8,263ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે મિડકેપ 531 પોઇન્ટ તૂટીને 12,065 અને બેન્ક નિફ્ટી 497 પોઇન્ટ તૂટીને 20,084 બંધ થયો હતો. જોકે વીકલી એક્સપાયરીને લીધે બજારમાં ભારે શોર્ટ કવરિંગ થયું હતું.  

ડોલર સામે રૂપિયો 75ને પાર

ફોરેક્સ માર્કેટમાં ભારતીય રૂપિયો ડોલર સામે વધુ નબળો પડ્યો હતો અને ગુરુવારે જ ડોલર સામે 75ની સપાટી પાર કરી ગયો હતો અને આજે કોરોના વાઇરસના કેસમાં વધારો થતાં અને સ્થાનિક શેરબજારમાં મંદી વધુ વકરતાં રૂપિયો વધુ નબળો પડ્યો હતો. ઇન્ટરબેન્કફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 74.96ના મથાળે ખૂલ્યો હતો અને 75.12ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. જે ગઈ કાલના બંધથી 79 પૈસા નબળો પડ્યો હતો અને 75.07ના મથાળે બંધ રહ્યો હતો.

ઇન્ટ્રા-ડે દરમ્યાન સેન્સેક્સ સાડાસાત ટકા તૂટ્યો

નિફ્ટી50 ઇન્ડેક્સે ઇન્ટ્રા-ડે દરમ્યાન 7,900નું લેવલ અને સેન્સેક્સે 27,000નું મથાળું તોડ્યું હતું. સેન્સેક્સ જાન્યુઆરીના રેકોર્ડ હાઇથી 36 ટકા તૂટી ચૂક્યો છે. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ઇન્ટ્રા-ડે દરમ્યાન એક તબક્કે સાડાસાત ટકા તૂટ્યો હતો, જેથી એક જ દિવસમાં રોકાણકારોએ રૂ. આઠ લાખ કરોડની સંપત્તિ ગુમાવી હતી. આમ અત્યાર સુધીમાં ચાલી મંદીના તબક્કામાં બીએસઈએ માર્કેટ કેપમાં રૂ. 50 લાખ કરોડ કરતાં વધુનું ધોવાણ થયું છે. જ્યારે 250 શેરોએ રેકોર્ડ લો બનાવ્યો હતો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]