નવા વર્ષમાં નવી ઊંચાઈએ બંધ થયું બજાર

અમદાવાદઃ નવા વર્ષના બીજા દિવસે. નિફ્ટીએ ટ્રેડિંગ સેશન દરમ્યાન 26,332.15ની નવી ઓલટાઇમ સપાટીને સર કરી હતી, જ્યારે સેન્સેક્સે આશરે 600 પોઇન્ટની છલાંગ લગાવી હતી. વૈશ્વિક બજારોથી મળેલા મજહૂત સંકેતો અને લાર્જકેપ શેરોમાં લેવાલીથી સેન્ટિમેન્ટ મજબૂત થયું હતું. BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.72 ટકા સુધી ઊછળ્યા હતા. રોકાણકારોની સંપ્તિમાં છ લાખ કરોડનો વધારો થયો હતો.

ભારતીય શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી-50 અને સેન્સેક્સ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં મજબૂત કમાણીની અપેક્ષા વચ્ચે બેંક, મેટલ અને ઓટો સેક્ટરના શેરોમાં વ્યાપક ખરીદી જોવા મળી હતી. નિફ્ટીએ ટ્રેડિંગ દરમિયાન 26,340નો નવો રેકોર્ડ બનાવ્યો અને અંતે 0.7 ટકાની વધારાની સાથે 26,328.55ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે બંધ રહ્યો. સેન્સેક્સ પણ 0.67 ટકા વધીને 85,762.01 પર બંધ થયો. સાપ્તાહિક આધાર પર નિફ્ટીમાં 1.1 ટકા અને સેન્સેક્સમાં 0.9 ટકાની વૃદ્ધિ નોંધાઈ.નવા વર્ષની શરૂઆતમાં યુરોપ અને બ્રિટનનાં બજારો પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યાં હતાં, જેને કારણે સ્થાનિક બજારને ટેકો મળ્યો. સપ્તાહ દરમિયાન 16માંથી 14 મુખ્ય સેક્ટરમાં વધારો નોંધાયો. બેંક, મેટલ અને ઓટો શેરોના સેક્ટરલ ઈન્ડેક્સ પણ નવા રેકોર્ડ પર પહોંચ્યા. સ્મોલકેપ અને મિડકેપ કંપનીઓના શેરોમાં અનુક્રમે 0.8 ટકા અને 1.7 ટકાનો વધારો થયો.

રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6 લાખ કરોડનો વધારો

આ સપ્તાહમાં રોકાણકારોની કુલ સંપત્તિમાં 6 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો. બીએસઈમાં સૂચિબદ્ધ કંપનીઓનું માર્કેટ કેપ ગયા શુક્રવારે 4,74,80,489 કરોડ રૂપિયા હતું, જે આ શુક્રવારે વધીને 4,81,24,779 કરોડ રૂપિયા થયું. આ રીતે બીએસઈમાં સૂચિબદ્ધ કંપનીઓનું કુલ માર્કેટ કેપ આ સપ્તાહમાં 6,44,290 કરોડ રૂપિયાનો વધારો નોંધાવ્યો હતો.

BSE પર કુલ 4371 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2773 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1449 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 149 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 185 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 83 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 208 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 137 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.