IPOથી લઈને નિફ્ટીમાં રોકાણકારો માટે કેવું રહ્યું વર્ષ 2025

અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2025 શેરબજારના રોકાણકારો માટે સરળ વર્ષ રહ્યું નથી. આ વર્ષે ભારતીય શેરબજારમાં તેજી કરતાં વધુ સ્થિરતા  જોવા મળી હતી. ખાસ કરીને સ્મોલ કેપ શેરોમાં તો નોંધપાત્ર ઘટાડાનું વલણ રહ્યું. આવો જોઈએ કે IPOથી લઈને નિફ્ટી અને સ્મોલ કેપ સુધી, બજારના વિવિધ મોરચાઓ પર 2025નું વર્ષ કેવું રહ્યું.

Nifty 2025: રિટર્ન મળ્યું, પણ અપેક્ષા કરતાં ઓછું

વર્ષ 2025માં ભારતીય ઇક્વિટી માર્કેટ કોન્સોલિડેશન મોડમાં રહ્યું. નિફ્ટી 50એ આખા વર્ષ દરમિયાન અંદાજે 9.4 ટકા રિટર્ન આપ્યું. ભલે આ રોકાણકારોની અપેક્ષા કરતાં ઓછું રહ્યું હોય, પરંતુ બજારની પરિસ્થિતિને જોતાં તેને સંતોષકારક કહી શકાય. ઊંચા વેલ્યુએશન, નબળી થતી ખપત અને કોર્પોરેટ કમાણીની ધીમી ગતિએ બજારની ચાલને મર્યાદિત રાખી.

આંતરરાષ્ટ્રીય સ્તરે જોવામાં આવે તો 21 મોટા ઇન્ડેક્સમાં નિફ્ટી 50 ત્રીજું સૌથી નબળું પ્રદર્શન કરનાર ઇન્ડેક્સ રહ્યો. 2024માં જ્યાં તેની રેન્કિંગ 13મા ક્રમે હતી, ત્યાં 2025માં તે સરકીને 19મા સ્થાને પહોંચી ગયો.

નબળાઈ માત્ર થોડા સેક્ટરો સુધી મર્યાદિત નહોતી

વર્ષ 2025ની સૌથી મોટી ખાસિયત એ રહી કે નબળાઈ માત્ર થોડાં સેક્ટરોમાં સીમિત રહી નથી. 100 કરોડ રૂપિયાથી વધુ માર્કેટ કેપ ધરાવતી 2617 કંપનીઓમાંથી આશરે 69 ટકા શેરોએ નેગેટિવ રિટર્ન આપ્યું. 2024માં આ આંકડો માત્ર 28 ટકા હતો.

FPIની વેચવાલી વચ્ચે ઘરેલુ રોકાણકારોનો મજબૂત સહારો

વર્ષ 2025માં (FPI) ભારતીય શેરબજારથી દૂર રહેતા દેખાયા. NSDLના આંકડા મુજબ, FPIsએ વર્ષ દરમિયાન અંદાજે 1.58 લાખ કરોડ રૂપિયાના શેર વેચ્યા અને 12માંથી 8 મહિનામાં નેટ સેલર રહ્યા. આની વિરુદ્ધમાં, ઘરેલુ મ્યુચ્યુઅલ ફંડ્સે બજારને મજબૂત ટેકો આપ્યો. તેમણે આશરે 4.85 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું.

2025માં IPOએ જમાવ્યો રંગ

વર્ષ 2025 ભારતીય બજાર માટે IPOના દૃષ્ટિકોણે ઐતિહાસિક સાબિત થયું. 101 મેઇનબોર્ડ IPO દ્વારા 1.74 લાખ કરોડ રૂપિયાથી વધુ ફંડ એકત્રિત કરવામાં આવ્યું. ટાટા કેપિટલ, HDB ફાઇનાન્શિયલ સર્વિસેસ અને LG ઇલેક્ટ્રોનિક્સે એકલા જ કુલ ફંડનો 22 ટકાથી વધુ હિસ્સો એકત્રિત કર્યો. ખાસ વાત એ રહી કે સેકન્ડરી માર્કેટમાં વેચવાલી હોવા છતાં વિદેશી રોકાણકારોએ IPOમાં આશરે 73,000 કરોડ રૂપિયા રોક્યા. આથી ભારતની મજબૂત કેપિટલ માર્કેટ ઇમેજ વધુ મજબૂત બની.