વોટ્સએપ લગાવશે ઉશ્કેરણીજનક મેસેજિસ પર લગામ

વોટ્સએપે બાંધી લિમિટઃ ભારતમાં યુઝર્સ પાંચથી વધારે ચેટ્સને મેસેજ ફોરવર્ડ કરી નહીં શકે

ફેક ન્યૂઝના ફેલાવાને રોકવા માટેના પ્રયાસો અંતર્ગત લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે કહ્યું છે કે ભારતમાં તેનાં યુઝર્સ એક સાથે પાંચથી વધારે ચેટ્સને મેસેજ ફોરવર્ડ કરી નહીં શકે.

વોટ્સએપે ચૂંટણી પંચને આ પ્રમાણેની જાણકારી અને ખાતરી આપી છે. એણે કહ્યું છે કે આગામી ચૂંટણીઓ પૂર્વે અમારા મેસેજિંગ પ્લેટફોર્મનો દુરુપયોગ થતો રોકવા માટે અમે ઘણા પગલાં લઈશું. અમે બીજા દેશોમાં જેનો ઉપયોગ કર્યો છે તે ફેક ન્યૂઝ વેરિફિકેશન મોડેલ ભારતમાં પણ લાવીશું.

વોટ્સએપ દ્વારા મેક્સિકોમાં આ મોડેલને ત્યાંની ચૂંટણી વખતે લાગુ કરવામાં આવ્યું હતું.

મેસેજિસ ફોરવર્ડ કરવાના મામલે વોટ્સએપે દુનિયાના અન્ય દેશોમાં જે નિયંત્રણો મૂક્યા છે એની સરખામણીમાં ભારતમાં મૂકેલા નિયંત્રણો વધારે કડક છે. અન્ય દેશોમાં આ નિયંત્રણ 20 ચેટ્સનો છે.

વોટ્સએપના અમેરિકાસ્થિત મુખ્યાલયમાંથી અમુક ગ્લોબલ એક્ઝિક્યૂટિવ્સ આ સંદર્ભમાં હાલ ભારતમાં જ આવ્યા છે અને વોટ્સએપ પ્લેટફોર્મને નડરૂપ એવા અનેક પ્રશ્નો અંગે દેશના અમુક ચોક્કસ લોકપ્રતિનિધિઓ સાથે મસલત કરી રહ્યા છે.

વોટ્સએપનું કહેવું છે કે આ એપ્લિકેશન વ્યક્તિગત અથવા નાના ગ્રુપના લોકો વચ્ચે વાતચીતના ઉદ્દેશથી બનાવવામાં આવ્યું છે.

વોટ્સએપે ચૂંટણી પંચને ખાતરી આપી છે કે અમે સ્પેમ મેસેજિંગ ટેકનિકને રોકવા માટે તમામ ઉપાયો અજમાવી રહ્યા છીએ. અમે એવી સિસ્ટમ ઘડીશું જેથી સારા તથા ખરાબ યુઝરની ઓળખ કરી શકાશે. નકલી ફેસબુક ગ્રુપ પણ લગામ મૂકવામાં આવશે. ચૂંટણીના દિવસના 48 કલાક પૂર્વે લાખો લોકોને એક સાથે નકલી મેસેજિસ મોકલવા પર અંકુશ મૂકવામાં આવશે.

ભારતમાં હાલ વોટ્સએપના 20 કરોડ જેટલા સક્રિય યુઝર્સ છે. આ આંકડો લગભગ 24 ટકા મતદાતાઓની બરોબર ગણી શકાય. 2019ની લોકસભા ચૂંટણી સુધીમાં આ આંકડો વધી જશે.