અમદાવાદઃ બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ, બે અંડરપાસ બંધ કરાયા

અમદાવાદ– ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે તબાહી મચાવ્યા બાદ મોડે મોડે પણ અમદાવાદમાં આજે શુક્રવારે સવારથી વરસાદની હેલી શરૂ થઈ છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં છેલ્લા બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે, તેની સાથે મણિનગર, ખોખરા, હાટકેશ્વર, સીટીએમ વિસ્તારોમાં ભારે વરસાદથી રોડ પર પાણી ભરાયા હતા. હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાઈ ગયું હતું. તેમજ અગમચેતીના ભાગરૂપે અમદાવાદના પરિમલ ગાર્ડન અને મીઠાખળી અંડરપાસ બંધ કરાયા છે.

સમગ્ર અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે. આમ તો ગુરુવાર મોડીરાતથી ધીમી ધારે શરૂ થયેલ વરસાદ આજે સવારથી સતત ચાલુ રહ્યો હતો. સાંજેના 4 વાગ્યા પછી વરસાદે જોર પક્ડયું હતું. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબક્યો હતો. વેજલપુરમાં પાંચ ઈંચ વરસાદ આવ્યો હતો, તે સાથે મણિનગર, ખોખરા, હાટકેશ્વર, સીટીએમ, જવાહર ચોક, પુનિતનગર રેલવે ફાટક, વસ્ત્રાલ, વટવા, અમરાઈવાડીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

સાંજે પીક અવર્સ હોવાથી અને ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. અને રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. કેટલાય લોકોના વાહનો રોડ પર બંધ થઈ ગયા હતા. મીઠાખળી અને પરિમલ ગાર્ડન અંડરબ્રિજમાં પાણી ભરાવાનું શરૂ થતા બ્રિજ બંધ કરાયા હતા.
અમદાવાદના કમિશનર દ્વારા વેજલપુરમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદનું ટ્વીટ પણ કરવામાં આવ્યું હતું.