નવી દિલ્હીઃ ભારતી એરટેલના ચેરમેને પાટનગર દિલ્હીમાં વાયુ પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરી છે. અબજોપતિ સુનીલ મિત્તલે કહ્યું હતું કે વિશ્વના ક્લાયમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા માટે કમર કસવી પડશે. સિંગાપોરના બ્લુમબર્ગના ન્યુ ઇકોનોમી ફોરમમાં તેમણે કહ્યું હતું કે તેઓ દિલ્હી પરત ફરશે, ત્યારે શહેર ધુમ્મસથી ઢંકાયેલું હશે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે તેમણે વધુમાં કહ્યું હતું કે આપણે આ રીતે જીવી ના શકીએ. વિશ્વમાં કોરોના રોગચાળાથી 50 લાખ લોકોનાં મોત થયાં છે, પણ આપણે એ વિશે વાત કરીએ છીએ, પણ વિશ્વમાં કેટલા લોકો પ્રદૂષણને લીધે જીવ ગુમાવ્યા એની વાત નથી કરતા.
આજે અમે જે અસમાનતા જોઈ રહ્યા છીએ, એ તમે નથી જોઈ રહ્યા. દ્વિપક્ષી સંબંધોમાં પણ તમે તમારા દેશનું હિત, તમારા સમાજનું હિત જુઓ છો- એને અટકાવવાની જરૂર છે અને એને બદલે સંપૂર્ણ દ્રષ્ટિકોણ રાખવાની જરૂર છે.
હાલ આપણે વિપરીત દિશામાં જઈ રહ્યા છીએ, વિકસિત દેશો પોતાના સ્વાર્થ સાધી રહ્યા છે. વિશ્વનો એક મોટો ભાગ રસીકરણથી વંચિત છે. આપણે આ સમયે કેટલાક દેશોને બદલે વસુધેવ કુટુંબકમનો મંત્ર અપનાવવામાં આવે એની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું.
દિલ્હીમાં સતત ચોથા દિવસે વાયુ ગુણવત્તાની બહુ ખરાબ શ્રેણીમાં હતી, એમ સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચે કહ્યું હતું. દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ઘટીને 396થી ઘટીને આજે 379 હતો.