ભારત સ્વદેશી પેટ્રોલ બનાવશેઃ કેન્દ્રીય-પ્રધાન ચૌબેનો દાવો

નવી દિલ્હીઃ ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને ગયા છે અને કેન્દ્ર સરકાર ભીંસમાં આવી ગઈ છે. પેટ્રોલની કિંમત દેશના ઈતિહાસમાં પહેલી જ વાર પ્રતિ લીટર 100 રૂપિયાના આંકે પહોંચી છે. અમુક રાજ્યોમાં સ્થાનિક કરવેરાને કારણે પ્રીમિયમ પેટ્રોલ પ્રતિ લીટર 100 રૂપિયાથી પણ વધારે કિંમતે વેચાય છે. આ સ્થિતિમાં, કેન્દ્રના સ્વાસ્થ્ય ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અશ્વિનીકુમાર ચૌબેએ એવો દાવો કર્યો છે કે દેશ ટૂંક સમયમાં પોતાનું સ્વદેશ પેટ્રોલ બનાવશે. પત્રકારોએ પેટ્રોલ-ડિઝલની વધી ગયેલી કિંમત વિશે પૂછતાં ચૌબેએ કહ્યું કે વિરોધપક્ષો બૂમાબૂમ કરે છે, પણ અમે સત્યનો અરીસો બતાવીએ છીએ. 2013માં જ્યારે ક્રૂડ તેલ પ્રતિ બેરલ 93 ડોલર હતું ત્યારે આપણે ત્યાં પેટ્રોલ 71 રૂપિયે પ્રતિ લીટર વેચાતું હતું. હવે જ્યારે 30 ડોલર ઓછા થઈ ગયા છે તો આપણે ત્યારે પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટર ઊંચે ગયું છે.

Image courtesy: Wikimedia Commons

ચૌબે ત્યાં અટક્યા નહોતા અને વધુમાં કહ્યું કે દેશમાં જ પેટ્રોલ કેવી રીતે તૈયાર કરવું એની તૈયારીમાં અમે લાગ્યા છીએ. આવનારા અમુક વર્ષોમાં આપણું પોતાનું પેટ્રોલ હશે, સ્વદેશી પેટ્રોલ હશે.