મુંબઈ, 12 ડિસેમ્બર, 2020: બીએસઈએ કૃષિપેદાશોનાં ખરીદી-વેચાણ માટે શરૂ કરેલા ઓનલાઇન હાજર બજાર – “બીએસઈ ઈ-ઍગ્રિકલ્ચરલ માર્કેટ્સ લિ. (BEAM – ‘બીમ’)”માં પહેલા જ દિવસે 6 લાખ રૂપિયા મૂલ્યની આયાતી કવચવાળી બદામના 2 ટન માલનો વેપાર થયો હતો. આ ઈલેક્ટ્રોનિક મંચના પ્રાયોગિક કામકાજનો ગઈ કાલથી પ્રારંભ થયો હતો. ખેડૂતો, મધ્યસ્થો, પૂરક સેવાઓ પૂરી પાડનારાઓ તથા ગ્રાહકો આ મંચ પરથી કૃષિપેદાશોમાં હાજરના સોદાઓ કરી શકે છે.
‘બીમ’ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રાજેશ સિંહાએ કહ્યું હતું કે, “અમારા આ મંચ પરથી થયેલી નાનકડી શરૂઆતથી હું ખુશ છું. ‘બીમ’ના સભ્યોના સહભાગ બદલ હું આભારી છું. આ સોદાએ કૃષિપેદાશોના હાજરના ઓનલાઇન સોદાઓ માટેના દેશવ્યાપી મંચનો પાયો નાખ્યો છે.”
‘બીમ’માં ખેડૂતો, વેપારીઓ તથા અન્ય સહભાગીઓને જોખમમુક્ત અને સગવડભરી રીતે વિવિધ કૃષિપેદાશોનાં ખરીદી-વેચાણ માટે આવશ્યકતા મુજબનાં સોલ્યુશન્સ ઑફર કરવા અત્યાધુનિક તંત્રજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.