BSE ઈ-એગ્રીકલ્ચરલ માર્કેટ: કૃષિપેદાશો માટે ઓનલાઈન ખરીદી-વેચાણનો મંચ

મુંબઈ, તા. 11 ડિસેમ્બર, 2020: ભારતના અગ્રણી, અનેકવિધ ઍસેટ્સમાં કાર્યરત તથા વિશ્વના સૌથી વધુ ઝડપી સ્ટૉક એક્સચેન્જ – બીએસઈએ કૃષિપેદાશોનાં ખરીદી-વેચાણ માટે ઓનલાઇન હાજર બજાર શરૂ કર્યું છે. એક્સચેન્જની પેટા કંપની – બીએસઈ ઇન્વેસ્ટમેન્ટ્સ લિ. મારફતે બીએસઈ ઈ-ઍગ્રિકલ્ચરલ માર્કેટ્સ લિ. (BEAM – ‘બીમ’) નામે સ્થાપવામાં આવેલા આ ઓનલાઇન મંચ પરથી રાષ્ટ્રીય સ્તરે કામકાજ થઈ શકશે.

કૃષિપેદાશો માટે દેશવ્યાપી એક માર્કેટ ઉપલબ્ધ કરાવવાના વડા પ્રધાનના ધ્યેયને અનુરૂપ સંસ્થાકીય માળખું ધરાવતો આ મંચ ઈલેક્ટ્રોનિકલી તથા પારદર્શક રીતે કાર્ય કરશે. ખેડૂતો, મધ્યસ્થો, પૂરક સેવાઓ પૂરી પાડનારાઓ તથા ગ્રાહકો એ બધા જ લોકો તેની મદદથી કૃષિપેદાશોના હાજર સોદાઓ પાર પાડી શકશે. બીમ મંચ પ્રાયોગિક ધોરણે  11મી ડિસેમ્બર, 2020થી શરૂ થયો છે.

‘બીમ’માં ખેડૂતો, વેપારીઓ તથા અન્ય સહભાગીઓ કૃષિપેદાશોની ખરીદી-વેચાણનું જોખમમુક્ત અને સગવડભર્યું કામકાજ કરી શકે તે માટે અદ્યતન તંત્રજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રત્યક્ષ ખરીદી-વેચાણ શક્ય હોવાથી કામકાજ કરવાનો ખર્ચ આ મંચની મદદથી ઘટશે, કૃષિપેદાશો પ્રાપ્ત કરવાનું સરળ બનશે, ઉત્પાદકોને વધુ મૂલ્ય પ્રાપ્ત થઈ શકશે તથા ગ્રાહકો પણ સ્પર્ધાત્મક ભાવે ખરીદી કરવા સક્ષમ બનશે. આ મંચ કૃષિપેદાશોની પ્રાપ્તિ તથા ટ્રેડિંગમાં રહેલા અવરોધોને દૂર કરશે.

બીએસઈના મૅનેજિંગ ડિરેક્ટર-ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર શ્રી આશિષકુમાર ચૌહાણે બીમના શુભારંભ નિમિત્તે જણાવ્યું હતું કે “ખેડૂતોને તથા ભારતીય અર્થતંત્રને લાભ થાય એ દૃષ્ટિએ કૃષિપેદાશો માટે બીએસઈ પોતાના રાષ્ટ્રવ્યાપી વિતરણ નેટવર્કનો તથા અદ્યતન તંત્રજ્ઞાનનો ઉપયોગ કરીને વૈશ્વિક દરજ્જાનું માળખું પૂરું પાડશે. બીમમાં નિયમનબદ્ધ તથા પારદર્શક બજાર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેની મદદથી એક સાથે મોટી સંખ્યામાં ખરીદદારો તેનો ઉપયોગ કરી શકશે. રોકડ સીધી લાભાર્થીના બૅન્ક ખાતામાં જમા થશે તથા મધ્યસ્થો પાછળ થતો ખર્ચ ઘટશે.”

બીમના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર શ્રી રાજેશ સિંહાએ જણાવ્યા મુજબ દેશમાં ખેડૂતોને નુકસાન થાય નહીં એવા કૃષિપેદાશોના હાજર બજાર તરીકે અલાયદી ઈલેક્ટ્રોનિક માર્કેટની જરૂર છે. બીમ આવી જરૂરિયાત પૂરી કરનારી એકમાત્ર કંપની છે. દેશમાં કૃષિપેદાશોનું સક્ષમ અને અસરદાર હાજર બજાર રચવામાં બીમ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

બીમની મદદથી એક રાજ્યના ખેડૂતો બીજાં રાજ્યોનાં બજારોના સંપર્કમાં આવીને પોતાનાં ઉત્પાદનોનું લિલામ કરી શકશે. આ રીતે ખેડૂતોને તથા તેમનાં સંગઠનોને પોતાનાં ઉત્પાદનોની ગુણવત્તાના આધારે ઉચિત ભાવ મળી શકશે અને સાથે સાથે મધ્યસ્થો, પ્રોસેસરો તથા નિકાસકારો વિવિધ રાજ્યોમાંથી ઉત્પાદનોની ખરીદી કરી શકશે.