ગુજરાતીઓને અગનગોળા ફેંકતી ગરમીથી મળશે રાહત

હાલમાં સમગ્ર ગુજરાતમાં ગરમી ગાભા કાઢી રહી છે. આકરી ગરમીના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતીઓ માટે એક સારા સમાચાર છે. ગુજરાતીઓ માટે આવતીકાલનો દિવસ નવી આશા લઈને આવશે. રાજ્યમાં પવનની દિશા બદલાવાની સાથે જ ગરમીમાં આંશિક ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે, જેનાથી લોકોને બળબળતા તાપમાંથી મોટી રાહત મળશે.

પવનની દિશા બદલાતા તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો

હવામાન નિષ્ણાતોના મતે, વાતાવરણમાં આવેલા પલટા અને પવનની દિશામાં થયેલા ફેરફારને કારણે હવે કાળઝાળ ગરમીની તીવ્રતા ઓછી થશે. આગામી 24 થી 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. જોકે, આ રાહત મળે તે પહેલા હજુ 24 કલાક કેટલાક જિલ્લાઓમાં ગરમીનું જોર યથાવત રહેશે.

કયા જિલ્લામાં કેવું એલર્ટ?

હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગરમીની તીવ્રતાને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કર્યા છે. જેમાં આગામી 24 કલાક દરમિયાન કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમીનું જોર વધુ રહેવાની શક્યતા હોવાથી અહીં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ, દીવ, દ્વારકા, પોરબંદર, અમરેલી અને બોટાદમાં તાપમાન ઊંચું રહેવાની સંભાવનાને પગલે ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ તેમજ મુખ્ય શહેરો એવા અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ હીટવેવની અસરને જોતા સાવચેતીના ભાગરૂપે ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે.

આમ, ભલે આગામી 24 કલાક આકરા તાપનો સામનો કરવો પડે, પરંતુ ત્યારબાદના ત્રણ દિવસ તાપમાનમાં થનારો ઘટાડો રાજ્યવાસીઓ માટે મોટી રાહત લઈને આવશે. તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપવામાં આવી છે.