જો તમને લાગતું હોય કે તમારા ખિસ્સા પર બોજ વધી ગયો છે, તો સરકારી આંકડાઓ પણ આ વાતની પુષ્ટિ કરી રહ્યા છે. કોમર્સ મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ, એપ્રિલ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર (WPI) વધીને 8.30% પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે માત્ર એક મહિના પહેલા એટલે કે માર્ચમાં આ દર માત્ર 3.88% હતો. આ ઉછાળો એટલો મોટો છે કે તેણે ઓક્ટોબર 2022 પછીનું સર્વોચ્ચ સ્તર સ્પર્શ્યું છે.

કિંમતોમાં આગ લાગવા પાછળના મુખ્ય કારણો
જથ્થાબંધ મોંઘવારી વધવા પાછળ બે સૌથી મોટા કારણો જવાબદાર છે- ઇંધણ (Fuel) અને આવશ્યક ચીજવસ્તુઓ.
ઈરાન જંગની અસર: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) ની કિંમતો પ્રતિ બેરલ $100 ને પાર કરી ગઈ છે.
ફ્યુઅલ અને પાવર: ઇંધણ ક્ષેત્રમાં મોંઘવારી દર 1.05% થી સીધો કૂદકો મારીને 24.71% પર પહોંચી ગયો છે. આનો અર્થ એ છે કે વીજળી અને ગેસના જથ્થાબંધ ભાવમાં બેફામ વધારો થયો છે.

દરેક ક્ષેત્રમાં ભાવવધારો
જથ્થાબંધ બજારની દરેક કેટેગરીમાં ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે:
પ્રાથમિક ચીજવસ્તુઓ: દાળ, અનાજ અને શાકભાજી જેવા ખાદ્યપદાર્થોમાં મોંઘવારી 6.36% થી વધીને 9.17% થઈ ગઈ છે.
મેન્યુફેક્ચરિંગ: ફેક્ટરીમાં બનતી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક, રબર અને કેમિકલનો મોંઘવારી દર પણ વધીને 4.62% રહ્યો છે.
રિટેલ મોંઘવારી (CPI): સામાન્ય માણસ જે કિંમત ચૂકવે છે તે રિટેલ મોંઘવારી પણ એપ્રિલમાં વધીને 3.48% થઈ ગઈ છે.
સામાન્ય માણસ પર કેવી અસર થશે?
જથ્થાબંધ મોંઘવારીનો સીધો સંબંધ કારખાનાઓ અને મોટા વેપારીઓ સાથે હોય છે. જ્યારે જથ્થાબંધ ભાવ વધે છે, ત્યારે કંપનીઓ આ બોજ પોતાની પર રાખવાને બદલે અંતે ગ્રાહકો એટલે કે સામાન્ય જનતા પર નાખે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જો કાચો માલ મોંઘો થશે તો આવનારા દિવસોમાં સાબુ, તેલ, કપડાં અને વીજળી જેવી જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે.
સરકાર પાસે ટેક્સ (એક્સાઇઝ ડ્યુટી) માં ઘટાડો કરવાનો વિકલ્પ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ જે રીતે વધી રહ્યા છે તેની સામે ટેક્સ ઘટાડાની પણ એક મર્યાદા છે. જો પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો નહીં થાય, તો આગામી મહિનાઓમાં મોંઘવારીનો આ ગ્રાફ હજુ પણ ઊંચે જઈ શકે છે.



