આયુર્વેદમાં સર્જરીની મંજૂરીના વિરોધમાં એલોપથી ડોક્ટરોની હડતાળ

અમદાવાદઃ કેન્દ્ર સરકારે હાલમાં જ નિર્ણય લીધો હતો કે આયુર્વેદ ડોક્ટરો પણ સર્જરી કરી શકશે. આ નિર્ણય વિરુદ્ધ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ આઠ ડિસેમ્બરે વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. આઇએમએનું માનવું છે કે આ નિર્ણયથી મિક્સોપથીને પ્રોત્સાહન મળશે. અને દર્દીઓની સ્થિતિ બગડશે. જેથી સરકાર પર નિર્ણય પરત લેવા માટે ડોક્ટરો 12 કલાકની આજે હડતાળ પર છે. આઇએમએ શુક્રવારે આ કારણે રાષ્ટ્રવ્યાપી દબાણ આણવા માટે ડોક્ટરો 12 કલાકની હડતાળ પર છે.  

કેન્દ્ર સરકારના નિર્ણય સામે દેશભરમાં 1.10 લાખ ડોક્ટરો હડતાળ પર છે, જેમાં ગુજરાતના 28,000થી વધુ ખાનગી ડોક્ટરો હડતાળ પર જોડાયા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચ, અમદાવાદ મેડિકલ એસોસિયેશન સાથે જોડાયેલા તબીબો સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી કામકાજથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. આ હડતાળમાં કોરોના ઉપરાંત ઈમર્જન્સી સેવાઓને કોઈ અસર નહિ થાય, પરંતુ એ સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવી છે.

આઇએમએ-ગુજરાતના સેક્રેટરી ડો. કમલેશ સૈનીએ કહ્યું હતું કે શુક્રવારે તમામ પ્રકારની બિન-કોવિડ સેવાઓ બંધ રહેશે. ઇમર્જન્સી, લેબર, પેથોલોજી અને કોવિડની સારવાર વગેરે ચાલુ રહેશે. સરકારના આ નિર્ણયના વિરોધમાં સુરતમાં પણ શહેરના 3000થી વધુ તબીબો અને 500 જેટલી હોસ્પિટલો અને નર્સિંગ હોમ સવારે છ કલાકથી સાંજે છ કલાક સુધી પોતાના દૈનિક કાર્યથી દૂર રહેશે. જોકે આ સમય દરમિયાન ઇમર્જન્સી અને કોવિડને લગતી સેવાઓ ચાલુ રહેશે.