નવી દિલ્હીઃ ભારતભરના સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો તથા પારિવારિક ઉદ્યોગોની વાચાને મજબૂત બનાવવા માટે બિન-સરકારી વ્યાપાર સંગઠન ‘ઈન્ડિયન સેલર્સ કલેક્ટિવ’ની રચના કરવામાં આવી છે. આ સંગઠને બહુરાષ્ટ્રીય ઈ-કોમર્સ બ્રાન્ડ્સનો બહિષ્કાર કરવાની માગણી માટે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે ‘ભારત છોડો’. આ આંદોલન અંતર્ગત વેપારીઓએ આજે ઠેરઠેર વિરોધ-દેખાવો કર્યા હતા અને મલ્ટીનેશનલ બ્રાન્ડ્સના પૂતળા બાળ્યા હતા. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં દેખાવો યોજવામાં આવ્યા હતા જેમાં સરકાર તથા ગ્રાહકોને અપીલ કરવામાં આવી હતી કે મલ્ટીનેશનલ ઈ-કોમર્સ બ્રાન્ડ્સને બહિષ્કાર કરવો જોઈએ અને તેને બદલે સ્વદેશી વેપારીઓના ઉત્પાદનો ખરીદવા જોઈએ.
સ્વદેશી જાગરણ મંચના અશ્વનિ મહાજને એક વેબિનારમાં કહ્યું કે મલ્ટીનેશનલ વિદેશી ઈ-કોમર્સ કંપનીઓ ભારતમાં ગેરકાયદેસર વ્યાપારી પ્રવૃત્તિઓ કરે છે. તેઓ ગ્રાહકોને વધારે પડતા ડિસ્કાઉન્ટ આપીને ઓફ્ફલાઈન રીટેલરો (દુકાનદારો) તથા નાના વેપારીઓના ધંધાનો નાશ કરે છે. તે કંપનીઓ એમના વ્યાપાર હિતોને માફક આવે એવી શંકાસ્પદ પ્રવૃત્તિઓ દ્વારા કાયદાઓને મારી-મચડીને દેશના ન્યાયતંત્ર ઉપર પણ ખરાબ અસર ઊભી કરે છે.