ઓછા પાક, ચોમાસામાં વિલંબને પગલે ટામેટાંની કિંમતો ‘લાલ’ઘૂમ

નવી દિલ્હીઃ દેશનાં અનેક શહેરોમાં ટામેટાંની કિંમતો પ્રતિ કિલોએ રૂ. 100ને પાર કરી ગઈ છે. ટામેટાંની કિંમતો વધવાને કારણે ગૃહિણીઓના રસોડાનું બજેટ બગડી ગયું છે. દેશનાં વિવિધ શહેરોમાં ટામેટાં કિલોદીઠ રૂ. 80થી રૂ. 120ની વચ્ચે વેચાઈ રહ્યાં છે. દિલ્હીથી માડીંને ચેન્નઈ સુધી ટામેટાંની કિંમતોએ લોકોનાં બજેટ બગાડી દીધાં છે. ખેડૂતો ટામેટાંની વધેલી કિંમતો માટે વધુપડતી ગરમી અને ચોમાસામાં વિલંબને જવાબદાર ગણાવી રહ્યા છે.

વરસાદને કારણે ટામેટાંના પાકને નુકસાન થયું છે. વળી, ટામેટાંની કિંમતોમાં આગામી એક મહિના સુધી ઘટાડો નહીં થવાનો અંદાજ છે. હાલ દેશનાં મોટા ભાગના બજારોમાં ટામેટાંની કિંમત પ્રતિ કિલોએ રૂ. 100 અથવા તેથી વધુ થઈ ગઈ છે. ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ અનુસાર હાલ કેરળના એર્નાકુલમમાં ટામેટાં સૌથી મોંઘાં છે. અહીં ટામેટાંની કિંમત પ્રતિ કિલોએ રૂ. 113એ પહોંચી છે. કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં ટામેટાં પ્રતિ કિલોના રૂ. 100એ વેચાઈ રહ્યાં છે. સ્થાનિક રહેવાસી સૂરજે જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલાં ટામેટાં પ્રતિ કિલો રૂ. 30-40માં વેચાતા હતાં, પરંતુ ટામેટાંની કિંમતોમાં અચાનક ઉછાળો આવ્યો છે અને અમારે એને ખરીદવા પણ પડી રહ્યાં છે.

કેમ વધ્યા ટામેટાંના ભાવ?

ચોમાસામાં વિલંબ અને દેશનાં અને ભાગોમાં નબળા વરસાની આશંકાએ શાકભાજીની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. હવે વરસાદે એના પુરવઠામાં ઓર ઘટાડો થયો છે. વળી, આ વખતે ગયા વર્ષની તુલનાએ ટામેટાંની વાવણી વિસ્તાર ઘટ્યો છે. જેને પગલે ટામેટાં અને અન્ય શાકભાજીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે.