આઇસી15 ઇન્ડેક્સમાં 311 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે રોકાણકારોના આશાવાદ છતાં ઘટાડો થયો હતો. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના ઘટક કોઇનમાંથી યુનિસ્વોપ અને ટ્રોન વધ્યા હતા. ટોચના ઘટેલા કોઇનમાં કાર્ડાનો, શિબા ઇનુ, એક્સઆરપી અને ચેઇનલિંક 2થી 4 ટકાના ઘટાડા સાથે સામેલ હતા.

જાપાનની કરવેરાની રાષ્ટ્રીય સ્તરની સત્તાએ ક્રીપ્ટોકરન્સી કંપનીઓને રાહત આપી છે. ક્રીપ્ટોમાં થયેલો લાભ અંકે કરાયો ન હોય તો એવા લાભ પર કરવેરો લાદવો નહીં એવો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી બાજુ, બ્રાઝિલની કેન્દ્રીય બેન્કે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)માં સહભાગી થવા માટે ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ – મર્કાડો બિટકોઇનને મંજૂરી આપી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.77 ટકા (311 પોઇન્ટ) ઘટીને 40,071 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,382 ખૂલીને 40,493ની ઉપલી અને 39,843 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.