નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને 30 ઓક્ટોબરે ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી ઇમેલ થકી મળી છે. આ મેઇલમાં રૂ. 400 કરોડની માગ કરવામાં આવી છે. રિલાયન્સને આ ઈમેઇલ સોમવારે મળ્યો હતો. છેલ્લા ચાર દિવસમાં મુકેશ અંબાણીને ત્રીજી વાર ધમકીભર્યો મેઇલ મળ્યો છે. મુંબઈ પોલીસ, તેમની ક્રાઇમ બ્રાંચ અને સાઇબર ટીમ આ મામલે મળીને મ કરી રહી છે અને ઈમેઇલ મોકલનાર કોણ છે એની તપાસ કરી રહી છે.
આ પહેલા પણ અંબાણીને ધમકીભર્યો ઈમેઇલમાં રૂ. 20 કરોડની માગ કરવામાં આવી હતી. એમાં સિક્યોરિટી ઇનચાર્જે ફરિયાદ કરી હતી, જેને આધારે ગામદેવી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. એ પછી શનિવારે બીજા ધમકીભર્યા મેઇલમાં રૂ. 200 કરોડ રૂપિયાની માગ કરવામાં આવી હતી. જો કે આ વખતે મેલ મોકલનાર ખંડણીની રકમ વધારીને 400 કરોડ રૂપિયા કરી દીધી છે.
આ મેઇલ અંબાણીના સત્તાવાર ID પર મોકલવામાં આવ્યો છે. તેના પર લખેલું છે કે તમારી સુરક્ષા ગમે તેટલી મજબૂત હોય, અમારો એક સ્નાઇપર તમને મારી શકે છે. આ વખતે માગ રૂ. 400 કરોડની છે. પોલીસ મને ટ્રેક કરી શકતી નથી કે ધરપકડ કરી શકતી નથી. આ મેઇલ બાદ મુંબઈ પોલીસે સોમવારે અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયાની સુરક્ષા વધારી દીધી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને ગયા વર્ષે પણ આ પ્રકારનો ધમકી મળી હતી. મુંબઈ પોલીસે એ વખતે બિહારના દરભંગાથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ શખસ અંબાણી અને તેમના પરિવારને મોતની ધમકી આપતા ફોન કરતો હતો. આ શખસે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ઉડાડવાની ધમકી પણ આપી હતી.