નવી દિલ્હીઃ ચાલુ પાક વર્ષમાં ખાદ્ય પદાર્થોની બમ્પર ઊપજનો અંદાજ છે. જોકે રવી સીઝનનો મુખ્ય પાકની ઊપજમાં મામૂલી ત્રણ ટકાનો ઘટાડો અંદાજ છે. આ દરમ્યાન ચોખા, દાળો અને તેલિબિયાં પાકોનું રેકોર્ડ ઉત્પાદન થશે. કૃષિ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અંદાજ મુજબ ઘઉંના ઉત્પાદનમાં માત્ર 31 લાખ ટનના ઘટાડાનો અંદાજ છે. દેશમાં ચાલુ સીઝનમાં કુલ 31.45 કરોડ ટન ખાદ્યાન્ની ઊપજ થશે, જે 2020-21ની તુલનાએ 37.7 લાખ ટન વધુ છે. ઘઉંના ઉત્પાદનનો પહેલો અંદાજ 11.13 કરોડ ટન હતો, જે ઘઉંના ઉત્પાદનના લક્ષ્ય 11 કરોડ ટન રાખવામાં આવ્યું હતું. ગયા પાક વર્ષ 2020-21માં ઘઉંનું કુલ ઉત્પાદન 10.95 કરોડ ટન થયું હતું.
ચોખા જેવા મુખ્ય પાકનું ઉત્પાદન 12.97 કરોડ ટન થશે, જે અત્યાર સુધીનું રેકોર્ડ ઉત્પાદન હશે. મકાઇનું ઉત્પાદન 3.3 કરોડ ટન રહેશે, જ્યારે જાડા ધાન્યનું ઉત્પાદન 5.07 કરોડ ટન થશે. આ સાથે દાળો અને તેલિબિયાં પાકોનું ઉત્પાદન વધારવા પ્રયાસ થઈ રહ્યા હતા. જેથી દાળોના પાકોનું ઉત્પાદન 2.78 કરોડ ટન થવાનો અંદાજ છે.
આમાં અડદની ઊપજ 43.5 લાખ ટન અને ચણાની ઊપજ 1.39 કરોડ ટન રહેવાનો અંદાજ છે. આ ઉપરાંત તેલીબિયાં પાકોનો રેકોર્ડ 3.85 કરોડ ટન ઊપજ થશે, જેમાં મગફળી 1.009 કરોડ ટન, સોયાબીન 1.38 કરોડ અને સરયાંની ઊપડ 1.18 કરોડ ટન રહેશે.