જેટ એરવેઝને વિમાનસેવા ફરી શરૂ કરવાની મંજૂરી મળી

નવી દિલ્હીઃ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એજન્સીએ જેટ એરવેઝને આજે મંજૂર કર્યું છે એર ઓપરેટર સર્ટિફિકેટ (એઓસી). આ મળવાથી એરલાઈન કમર્શિયલ વિમાન સેવા ફરી શરૂ કરી શકશે.

પ્રુવિંગ ફ્લાઈટ્સ પ્રક્રિયા પૂરી કરી દેતાં જેટ એરવેઝને એઓસી ગ્રાન્ટ કરાયું છે. એઓસી મેળવવા માટે કોઈ પણ એરલાઈન માટે પ્રુવિંગ ફ્લાઈટ્સ આખરી પગલું હોય છે. આ માટે વિમાન દ્વારા કુલ પાંચ લેન્ડિંગ્સ (ફ્લાઈટ્સ) કરવાનું રહે છે, તો જ પ્રુવિંગ ફ્લાઈટ્સ પ્રક્રિયા પૂર્ણ થાય. જેટ એરવેઝે ગયા મંગળવારે દિલ્હી-હૈદરાબાદ-દિલ્હી રૂટ પર બોઈંગ 737 વિમાનમાં ડીજીસીએના અધિકારીઓ સહિત 31 જણ સાથેની બે પ્રુવિંગ ફ્લાઈટ્સના બીજા સેટનું સંચાલન કર્યું હતું. એ પહેલાં, ગયા રવિવારે તેણે આ જ વિમાન દ્વારા દિલ્હી-મુંબઈ, મુંબઈ-અમદાવાદ અને અમદાવાદ-દિલ્હી, એમ ત્રણ પ્રુવિંગ ફ્લાઈટ્સના પહેલા સેટનું સંચાલન કર્યું હતું.

ઉદ્યોગપતિ નરેશ ગોયલની માલિકીની એરલાઈન કંપની જેટ એરવેઝ 2019થી બંધ કરી દેવામાં આવી હતી. તેની છેલ્લી ફ્લાઈટનું સંચાલન 2019ની 17 એપ્રિલે કરાયું હતું. હવે જેટ એરવેઝની પ્રમોટર છે જાલન-કેલરોક કન્સોર્ટિયમ. જેટ એરવેઝ આ વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કમર્શિયલ વિમાન સેવા ફરી શરૂ કરવા ધારે છે.