નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની માલિકીની રાષ્ટ્રીય એરલાઈન એર ઇન્ડિયાને ખરીદવા માટે ટાટા ગ્રુપે ટેન્ડર ભર્યું છે. એર ઇન્ડિયા રાષ્ટ્રીયકૃત થઈ એ પહેલાં તે ટાટા જૂથની જ હતી. જો સોદો પાર પડશે તો કંપનીનું સુકાન ફરી ટાટા જૂથ સંભાળશે. એર ઇન્ડિયાને ખરીદવા માટેના ફાઇનલને બિડને રજૂ કરવા માટે એક મહિનો બાકી છે, ત્યારે મીઠાથી માંડીને સ્ટીલ સુધીના વેપારમાં અગ્રણી એવું ટાટા જૂથ એર ઇન્ડિયાને ખરીદવા માટે એકમાત્ર દાવેદાર છે. એરલાઇન્સના બિઝનેસમાં પહેલેથી જ વ્યસ્ત ટાટા જૂથે એર ઇન્ડિયાને હસ્તગત કરવામાં રસ દાખવ્યો છે.
વૈશ્વિક સ્તરે એરલાઇન્સ કંપનીઓ ભારે તણાવમાં
આ કોવિડ-19 રોગચાળાના કાળમાં વૈશ્વિક સ્તરે એરલાઇન્સ કંપનીઓ ભારે આર્થિક ભીંસમાં આવી ગઈ છે, કેમ કે હાલ પેસન્જરો વિમાન પ્રવાસ અને પ્રવાસ-પર્યટને જવાનું ટાળી રહ્યા છે. જેથી અન્ય બિડર્સ પણ બિડ કરતાં ખંચકાટ અનુભવે છે. જોકે ટાટા જૂથ એના બિડ સાથે એકલું જ આગળ વધે એવી શક્યતા છે, કારણ કે એની સંયુક્ત સાહસની કંપની સિંગાપોર એરલાઇન્સે એર ઈન્ડિયાને ખરીદવાની રેસમાં ઉતરવાનો ઈનકાર કરી દીધો છે.
એરલાઇન્સ માટેની બિડિગ પ્રક્રિયાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ
ટાટા ગ્રુપ હાલમાં એરલાઇન્સ માટે ડ્યુ ડિલિજન્સની કામગીરી કરી રહ્યું છે. એરલાઇન્સ માટેની બિડીંગ પ્રક્રિયાની છેલ્લી તારીખ આ વર્ષની 31 ઓગસ્ટ છે અને સરકાર હવે સમયમર્યાદા વધારવાની તરફેણમાં નથી. એર ઇન્ડિયા કોવિડ-19ના સંક્રમણ થતાં પહેલેથી નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહી છે. વળી આ રોગચાળાને લીધે કંપનીની નાણાકીય સ્થિતિ વધુ ગંભીર બની છે, ખાસ કરીને એવિયેશન ક્ષેત્રમાં કંપનીની નાણાકીય હાલત નાજુક બની છે.
ટાટા જૂથનું દેશમાં એવિયેશન ક્ષેત્રના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન
ટાટા એરલાઇન્સ અને ઇન્ડિયાથી વિસ્તારા અને એરએશિયા સુધી ટાટા જૂથનું દેશમાં એવિયેશન ક્ષેત્રના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ટાટા એર લાઇન્સ અને લાંબા સમયથી રાષ્ટ્રીયકૃત બનેલી એર ઇન્ડિયાથી માંડીને એરએશિયા ઇન્ડિયા અને વિસ્તારા માટેના સિંગાપોર એરલાઇન્સ (SIA) સાથેના વ્યૂહાત્મક સંયુક્ત સાહસ સુધી ટાટા જૂથ એવિયેશન ક્ષેત્રે હાજરી ધરાવે છે. ટાટા જૂથ એવિયેશન ક્ષેત્રે બે સ્વતંત્ર રીતે કામ કરતા સંયુક્ત સાહસોના બિઝનેસ મોડલ -ઓછી કિંમતના એર એશિયા ઇન્ડિયા અને ફુલ સર્વિસ વિસ્તારા ધરાવે છે.
વિસ્તારાએ એના કાફલામાં નવ બોઇંગ ઉમેર્યા
વર્ષ 2019માં વિસ્તારાએ એના કાફલામાં નવ બોઇંગ 737-800NG એરક્રાફ્ટ ઉમેર્યા છે. જેથી કંપની પાસે કુલ એરક્રાફ્ટ વધીને 31 થયા છે, જેની મદદથી કંપનીએ એના નેટવર્કમાં 50થી વધુનો વધારો કર્યો છે.
સરકારના ઉચ્ચ સ્તરનાં સૂત્રો જણાવે છે કે એર ઇન્ડિયાને ખરીદવા માટેની બિડીંગ પ્રક્રિયાને કોવિડ-19 રોગચાળા પહેલાં સરકાર ત્રણ વાર લંબાવી ચૂકી છે અને હવે એને લંબાવવા માગતી નથી.