માર્ચથી અત્યાર સુધીમાં સેન્સેક્સ બમણો થયો

અમદાવાદઃ મુંબઈ શેરબજારમાં શેરોમાં સાર્વત્રિક લેવાલીથી લાલચોળ તેજી જોવા મળી છે. રોકાણકારોએ શેરોની જાતેજાતમાં લેવાલી કાઢતાં સેન્સેક્સે સૌપ્રથમ વાર 50,000ની ઐતિહાસિક સપાટી સર કરી હતી. માર્ચના નીચલા સ્તરથી સેન્સેક્સ બે ગણો થયો છે. અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનના શપથ બાદ વિશ્વનાં બજારોમાં તેજી છે. અમેરિકામાં રાહત પેકેજની આશા વધી છે. બાઇડને કોરોના રોગચાળા સામે $1.9 લાખ કરોડના પેકેજનું એલાન કર્યું છે.

વળી, આગામી બજેટ રજૂ થવામાં થોડા દિવસો બાકી હોવાથી બજારમાં પ્રોત્સાહક વાતાવરણ જોવા મળ્યું છે. આ ઉપરાંત કંપનીઓના ત્રીજા ત્રિમાસિક ગાળાનાં પરિણામો પ્રોત્સાહક હોવાથી બજાર સેન્ટિમેન્ટ તેજીતરફી રહ્યું હતું. દેશમાં રસીકરણ કાર્યક્રમ પણ શરૂ થયો હોવાથી કોરોનાના કેસોમાં ઘટાડો થશે અને રોગચાળો ખતમ થતાં આર્થિક કામગીરી પુરજોશમાં શરૂ થઈ જશે.

બીએસઈ સેન્સેક્સ સવારના ટ્રેડિંગ સેશનમાં 300 પોઇન્ટ ઊછળી 50,090ના સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સે 50,149ની ઓલટાઇમ ઊંચી સપાટી બનાવી છે, જ્યારે નિફ્ટીએ પણ 14,745ની ઊંચી સપાટી સર કરી હતી. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ ભારે તેજી હતી. ઓટો શેરોમાં ધૂમ લેવાલી હતી. અમેરિકી બજારોની સાથે મોટા ભાગનાં એશિયન બજારો પણ તેજીમય હતા.

નવેમ્બર, ડિસેમ્બરમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારોમાં મોટા પાયે મૂડીરોકાણ કર્યું છે. બુધવારે વિદેશી રોકાણાકોર ધૂમ લેવાલી કરી હતી. તેમણે રૂ. 2289.05 કરોડના શેરો ખરીદ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ચોખ્ખા રૂ. 864.62 કરોડની વેચવાલી કરી હતી.