મુંબઈઃ બિટકોઇન નાણાકીય વ્યવસ્થામાં ક્રાંતિ લાવવા સક્ષમ છે એવું બ્લેકરોકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર લેરી ફિંકે કહ્યું એને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો આવ્યો છે. આ નિવેદનની સાનુકૂળ અસર થવાથી બિટકોઇન 31,000 ડોલરનો આંક વટાવી ગયો હતો.
ગુરુવારે માર્કેટના બેન્ચમાર્ક આઇસી15ના ઘટકોમાંથી સોલાના, બિટકોઇન, ટ્રોન અને ઈથેરિયમ છ ટકા સુધીની રેન્જમાં વધ્યા હતા. મુખ્ય ઘટેલા કોઇનમાં લાઇટકોઇન, એક્સઆરપી, કાર્ડાનો અને શિબા ઇનુ સામેલ હતા.
દરમિયાન, ભારતીય રિઝર્વ બેન્ક સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીની મદદથી વિદેશ વેપારની ચૂકવણીનું માળખું વિકસાવવાની દૃષ્ટિએ 18 દેશોની કેન્દ્રીય બેન્કો સાથે વાટાઘાટ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ, બેન્ક ઓફ ઇંગ્લેન્ડ પણ પોતાની સીબીડીસી લાવવા માટે સક્રિય છે. એણે પેમેન્ટ્સ પ્લેટફોર્મ નગેટ્સ સાથે સહકાર સાધ્યો છે.
3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.96 ટકા (390 પોઇન્ટ) વધીને 40,876 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,486 ખૂલીને 41,173ની ઉપલી અને 40,078 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.