મુંબઈઃ અમેરિકન ફેડરલ રિઝર્વે માર્કેટ્સની ધારણાથી વિપરીત નિર્ણયો લીધા એને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં જોરદાર ઉછાળો આવ્યો છે. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.01 ટકા (1,283 પોઇન્ટ) વધીને 43,831 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 42,549 ખૂલ્યા બાદ 44,393ની ઉપલી અને 42,154ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી સોલાના, પોલકાડોટ અને કાર્ડાનો 8થી 14 ટકા વધ્યા હતા.
દરમિયાન, સ્વિટઝરલેન્ડની સેંટ ગોલર કેન્ટોનલબેન્કે એસઈબીએ સાથે સહયોગ સાધીને ડિજિટલ એસેટ્સ ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. એણે બિટકોઇન અને ઈથરના ટ્રેડિંગની સુવિધા પૂરી પાડી છે. ભવિષ્યમાં માગના આધારે અન્ય ડિજિટલ એસેટ્સનો ઉમેરો કરવામાં આવશે. બીજી બાજુ, એચએસબીસીએ પણ બ્લોકચેઇન ટેક્નોલોજી અપનાવી છે. લંડન ગોલ્ડ માર્કેટના આધુનિકીકરણ માટે ફિઝિકલ સોનાનું ટોકનાઇઝેશન કરવાનું એનું આયોજન છે.
અન્ય એક અહેવાલ મુજબ વિઝા કંપનીએ ડિજિટલ હોંગકોંગ ડોલરનો સફળ પ્રયોગ પૂરો કર્યો છે. એમાં ટોકનાઇઝેશન અને બ્લોકચેઇનની મદદથી લગભગ રિયલ ટાઇમ ધોરણે સેટલમેન્ટનો પ્રયોગ કરી બતાવ્યો છે. અમેરિકામાં કોઇનબેઝે રિટેલ ટ્રેડરો માટે ફ્યુચર્સ ટ્રેડિંગમાં નેનો બિટકોઇન કોન્ટ્રેક્ટ શરૂ કરાવ્યા છે.