નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઈરસને લીધે ગઈ 25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉન લાગુ છે, જેની અર્થતંત્ર પર નોંધપાત્ર નકારાત્મક અસર રહી છે. ભારતીય રિઝર્વ બેન્ક પણ આ વર્ષે વિકાસ દર ઝીરો રહેવાની વાત કરી ચૂકી છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ પણ ભારત માટે આવનારાં વર્ષોમાં કેટલાક નિરાશાજનક આંકડા રજૂ કરી ચૂક્યા છે. ત્યારે રેટિંગ એજન્સી ફિચે ભારત માટે એક સકારાત્મક ચિત્ર રજૂ કર્યું છે. રેટિંગ એજન્સી ફિચના જણાવ્યાનુસાર આગામી નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર ફરી ઝડપ પકડી શકે છે અને 9.5 ટકાના દરે વધે એવી શક્યતા તે જુએ છે.
અહેવાલમાં ફિચે ભારતીય અર્થતંત્રમાં ઝડપી ઉછાળાની વાત કરી છે, પણ સાવધાન કરતાં કહ્યું છે કે ભારતીય અર્થતંત્રમાં જો વધુ ઘટાડો નહીં નોંધાય તો આગામી સમયમાં અર્થતંત્રમાં તેજીની સંભાવના છે. ફિચ અનુસાર કોરોના વાઇરસ રોગચાળા આવ્યો એ પહેલાં એપ્રિલમાં શરૂ થયેલા નાણાં વર્ષ 2020-21માં લોકડાઉનને લીધે અર્થતંત્ર ધીમું પડ્યું હતું. ફિચ રેટિંગે ચાલુ નાણાકીય વર્ષમાં GDPમાં પાંચ ટકાના ઘટાડાનો અંદાજ હતો.
કોરોનાને લીધે અર્થતંત્રની કમર તોડી નાખી
ફિચ રેટિંગ્સે APAC સોવરિન ક્રેડિટ ઓવરવ્યુમાં કહ્યું હતું કે રોગચાળાએ ભારતના વિકાસના દ્રષ્ટિકોણને ઘણો નબળો કરી દીધો છે અને ભરાતનાં જાહેર દેવાંના બોજે સામે પડકારોનો સામનો કરવો પડશે. જોકે ફિચે કહ્યું છે કે વૈશ્વિક સંકટ પછી ભારતની GDP વૃદ્ધિ BBB શ્રેણીની સમકક્ષ દેશોની તુલનામાં ઉચ્ચ સ્તરે પરત ફરવાની સંભાવના છે.
લોકડાઉનને લીધે આર્થિક પ્રવૃત્તિ અટકી
ફિચે અહેવાલમાં કહ્યું છે કે ભારતો 25 માર્ચે આશરે બધી આર્થિક કામગીરીને અટકાવી દીધી હતી અને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે વિશ્વના સૌથી મોટા લોકડાઉનની જાહેરાત કરી હતી. ત્યાર બાદ લોકડાઉનને વારંવાર વધાર્યું હતું. જોકે ચોથી મેથી ઓછા સંક્રમણ ક્ષેત્રોમાં કેટલીક છૂટછાટ આપી હતી. જોકે અનલોક-1 પછી નવા કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.