ટેસ્લા પ્લાન્ટ લગાવવા માટે ટીમ ભારત મોકલશે

નવી દિલ્હીઃ અબજોપતિ એલન મસ્કની ટેસ્લાના પ્રસ્તાવિત બેથી ત્રણ અબજ ડોલરના ઇલેક્ટ્રિક કાર પ્લાન્ટ માટે જગ્યા શોધવા માટે આ મહિને ભારતમાં એક ટીમ મોકલશે. ભારતે ગયા મહિને કાર ઉત્પાદકો માટે ઉત્પાદિત કેટલાંક ઇલેક્ટ્રિક વાહનો પર આયાત ટેક્સમાં ઘટાડો કર્યો હતો. જે વેપારી ધોરણે ઉત્પાદન શરૂ કરવા માટે ત્રણ વર્ષની સમયમર્યાદાની સાથે કમસે કમ રૂ. 4150 કરોડના મૂડીરોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા ભારતમાં મોટું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, એલન મસ્કે ભારતમાં લગભગ 3 અબજ ડોલર (2 અબજ 50 કરોડ 28 લાખ 68 હજાર 500 રૂપિયા)ની ફેક્ટરી સ્થાપવાની યોજના તૈયાર કરી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટેસ્લાની ટીમ એપ્રિલના અંતમાં ફેક્ટરી માટે જમીન શોધવા માટે ભારત આવવાની છે.

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું બજાર ઝડપથી વધી રહ્યું છે. સરકારે 2030 સુધીમાં 30 ટકા કારને ઈલેક્ટ્રિક બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. વળી, ભારત સરકારે તાજેતરમાં કેટલાંક ઇલેક્ટ્રિક વાહનો પરના આયાત કરમાં ઘટાડો કર્યો છે. કંપનીઓ ભારતમાં ઉત્પાદન શરૂ કરે અને રોકાણ કરે તેવી શરત રાખવામાં આવી છે. ટેસ્લા માટે આ એક મોટું પ્રોત્સાહન છે.

અહેવાલ મુજબ ટેસ્લા મહારાષ્ટ્ર, ગુજરાત અને તામિલનાડુ જેવાં રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જ્યાં ઓટોમોટિવ હબ પહેલેથી અસ્તિત્વમાં છે. વિશ્લેષકો માને છે કે ટેસ્લાના ભારતમાં પ્રવેશથી ઘણા ફાયદા થશે. ટેસ્લાનું આગમન અન્ય કંપનીઓને પણ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. ટેસ્લા તેનાં વાહનો માટે સ્થાનિક ઓટો પાર્ટ્સ ઉત્પાદકો પાસેથી માલ ખરીદશે, જેનાથી તેમને ફાયદો થશે. ટેસ્લાનો પ્લાન્ટ હજારો લોકોને રોજગાર આપશે.

ટેસ્લાના અધિકારીઓ છેલ્લા એક વર્ષથી સરકારી અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. જૂનમાં મસ્ક વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. કંપનીએ ગયા વર્ષે જુલાઈમાં કહ્યું હતું કે કંપની 24,000 ડોલરની કિંમતની ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે ભારતમાં ફેક્ટરી સ્થાપવામાં રસ ધરાવે છે.