ન્યૂયોર્કઃ ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લાના વડા ઈલોન મસ્કએ કંપનીમાં એમના કુલ હોલ્ડિંગનો 10મો ભાગ વેચી દેવો જોઈએ કે નહીં? એ વિશે પોતે જ ટ્વિટર પર મૂકેલા પોલમાં બહુમતી યૂઝરે હિસ્સો વેચી દેવાની તરફેણ કરતાં અને ઈન્વેસ્ટરોમાં ખળભળાટ મચી જતાં ટેસ્લા કંપનીનો શેર આજે બજારમાં સોદા શરૂ થયા એ પૂર્વે 7.5 ટકા તૂટી ગયો હતો.
મસ્ક ટેસ્લાના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર છે અને દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે. એમણે ગયા શનિવારે ટ્વિટર પર એક પોલ મૂકીને એમના ફોલોઅર્સને એમ જણાવ્યું હતું કે જો સોશિયલ મિડિયા નેટવર્ક ટ્વિટર પર યૂઝર્સ મંજૂરી આપે તો પોતે કંપનીમાંનો 10 ટકા હિસ્સો વેચી દેશે. ત્યારબાદ ટ્વિટર યૂઝર્સે હિસ્સો વેચી દેવાની કરેલી તરફેણને પગલે ટેસ્લાનો શેર અમેરિકા અને ફ્રેન્કફર્ટ શેરબજારમાં અનુક્રમે 6.2 ટકા અને 7 ટકા જેટલો તૂટી ગયો હતો. શું મસ્કે શેર વેચી દેવા જોઈએ? એ સવાલના પ્રતિસાદમાં 35 લાખથી વધારે લોકોએ મત આપ્યો હતો. એમાં 57.9 ટકા લોકોએ શેર વેચી દેવાની હા પાડી હતી. ગઈ 30 જૂનની તારીખે ટેસ્લામાં મસ્કનો હિસ્સો આશરે 17.5 કરોડ શેરનો હતો. હવે જો એ ગયા શુક્રવારના બંધ ભાવના આધારે 10 ટકા શેર વેચી દે તો એ રકમ 21 અબજ ડોલર થાય. દુનિયાની સૌથી વેલ્યુએબલ કાર કંપનીમાં મસ્કનો હિસ્સો 23 ટકા છે.