પેટ્રોલ અહીં રૂ. 33.38 સસ્તું મળી રહ્યું છે, જાણો…

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કાપ મૂકીને સામાન્ય જનતાને દિવાળીની ભેટ આપી છે. ગઈ કાલે સરકારી ઓઇલ કંપનીઓએ કિંમતોમાં કોઈ ફેરફાર નથી કર્યો. જોકે સૌથી સસ્તા પેટ્રોલ અને ડીઝલ પોર્ટ બ્લેરમાં છે અને સૌથી મોંઘાં શ્રીગંગાનગરમાં છે.  ઉત્તર પ્રદેશના નોએડામાં પ્રતિ લિટર પેટ્રોલની કિંમત રૂ. 95.51 છે, તો રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમત રૂ. 116.34એ પહોંચી છે.

પોર્ટ બ્લેરમાં ડીઝલની કિંમત પ્રતિ લિટર રૂ. 77.13 છે તો શ્રીગંગાનગરમાં ડીઝલની કિંમત રૂ. 100.53 છે. બંને શહેરોમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર રૂ. 33.38નો તફાવત છે. બીજી બાજુ, દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ. 100ની ઉપર પ્રતિ લિટર રૂ. 103.97 છે, જ્યારે ડીઝલ પ્રતિ લિટર રૂ. 86.67 છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂ. 109.98 અને ડીઝલની કિંમત રૂ. 94.14 છે. કોલકાતામાં પેટ્રોલ પ્રતિ લિટર રૂ. 104.67 છે અને ડીઝલ પ્રતિ લિટર રૂ. 89.79 છે.

કેન્દ્ર સરકારનો દાવો છે કે એક્સાઇઝ ડ્યુટી ઘટાડ્યા પછી દેશનાં 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પણ વેટમાં કાપ મૂક્યો છે, જે પછી આ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો રૂ. 12થી વધુ ઘટી છે.   

રાજસ્થાનમાં ડીઝલ-પેટ્રોલ પર સૌથી વધુ વેટ વસૂલવામાં આવે છે. અહીં પ્રતિ લિટર રૂ. 30.51 વેટ છે. એ પછી મહારાષ્ટ્રમાં રૂ. 29.99, આંધ્રમાં રૂ. 29-02, મધ્ય પ્રદેશમાં રૂ. 26.87 વેટ વસૂલવામાં આવે છે, જ્યારે સૌથી ઓછો વેટ આંદામાન અને નિકોબારમાં વસૂલવામાં આવે છે. અહીં પ્રતિ લિટર રૂ. 4.93 વેટ વસૂલવામાં આવે છે.