નવી દિલ્હીઃ દેશના યુવાઓમાં કેફિનની લત સતત વધી રહી છે. સ્કૂલોમાં થયેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે. ભારતમાં બાળકોમાં પ્રતિ દિન કેફિન લેવાની માત્રા અમેરિકાનાં બાળકોથી બહુ વધારે છે. યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. આમાં દિલ્હીની ત્રણ સ્કૂલોના 300 બાળકોનો સામવેશ કરવામાં આવ્યા હતા. એનાથી માલૂમ પડે છે કે યુવા વધુ કોફી અને ચા પીવાને કારણે કેફિનની વધુ માત્રા લઈ રહ્યા છે. જોકે વિકસિત દેશોમાં આવું નથી.
દેશમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રતિ દિન સરેરાશ 121 મિલીગ્રામ કેફિન લે છે, જે તેમના હિસાબે બહુ વધારે છે. કોફી, ચા, કોલા બેવરેજીસ અને એનર્જી ડ્રિન્ક્સને લઈને માતાપિતા એટલા વધુ સતર્કતા નથી દાખવતા, જેથી બાળકોમાં કેફિનની લત લાગી જાય છે. આ તેમના આરોગ્યને નુકસાન પહોંચાડે છે.
અમેરિકામાં 12થી 16 વર્ષ સુધીનાં વિદ્યાર્થીઓ પ્રતિ દિન 64.8 મિલીગ્રામ કેફિન લઈ રહ્યા છે, જ્યારે 17થી 18 સુધીના ટીનેજર્સ પ્રતિ દિન 96.1 મિલીગ્રામ કેફિન લે છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયામાં 12થી 16 વર્ષનાં ટીનેજર્સ 109 મિલીગ્રામ કેફિન પીએ છે અને કેનેડામાં 8-12નાં બાળકોમાં 109 મિલીગ્રામ કેફિન લે છે.
સર્વેમાં માલૂમ પડ્યું છે કે આશરે છ ટકા વિદ્યાર્થીઓ પ્રતિ દિન 300 મિલીગ્રામથી વધુ કેફિન લે છે, જે બહુ ખતરનાક છે. આ પ્રકારે આશરે 97 વિદ્યાર્થીઓ કોઈને કોઈ પ્રકારે કેફિન લે છે, જે તણાવ વધારે છે.