અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે સતત છઠ્ઠા સેશનનાં ઘરેલુ શેરબજારોમાં વેચવાલી થઈ હતી. સૌથી વધુ વેચવાલી મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં થઈ હતી. BSE પર લિસ્ટેડ બધી કંપનીઓના કુલ માર્કેટ કેપમાં રૂ. નવ લાખ કરોડનો ઘટાડો થયો હતો. છેલ્લાં ત્રણ ટ્રેડિંગ સેશનમાં માર્કેટ રૂ. 22 લાખ કરોડનો ઘટાડો થયો છે. એ સાથે BSE પર લિસ્ટેડ બધી કંપનીઓનું કુલ માર્કેટ કેપ બે મહિનાના નીચલા સ્તરે સરક્યું છે. નિફ્ટી બે મહિનાનાની નીચલા સ્તરે 25,000ની નીચે સરક્યો છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ ઘેરાતાં વિદેશી રોકાણકારો સતત વેચવાલી કરી રહ્યા છે. તેઓ ચીનના શેરબજાર તરફ વળ્યા છે. ઇન્ડિયા VIX ઇન્ડેક્સ 15.08એ પહોંચ્યો હતો, જે એક મહિનાના મહત્ત્મ સ્તરે પહોંચ્યો છે. જેથી BSE સેન્સેક્સ 638.45 પોઇન્ટ તૂટીને 81,050ના સ્તરે બંધ થયો હતો, જ્યારે NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 218.85 પોઇન્ટ તૂટીને 24,795.80ના મથાળે બંધ થયો હતો.
ઘરેલુ બજારોમાં IT સેક્ટરને છોડીને બાકી બધાં સેક્ટર નરમ બંધ આવ્યા હતા. Psu શેરોમાં ભારે ઘટાડો થયો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 1174 પોઇન્ટ તૂટીને 57,300ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી બેન્ક 983 પોઇન્ટ તૂટીને 50,479ના સ્તરે બંધ થયો હતો.
BSE એક્સચેન્જ પર કુલ 4178 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 642 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 3416 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 120 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 232 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 683 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.