નવી દિલ્હીઃ દેશમાં લોકોનું મનપસંદ પીણું ચા છે અને ચા ઉત્પાદન અને ખપત માટે સૌથી અગ્રણી દેશોમાં ભારતનું નામ છે. ચાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજો ક્રમાંક ધરાવે છે. વિશ્વમાં આસામ ને દાર્જિલિંગની ચા જગમશહૂર છે. જોકે આ વખતે સવારની ચા કડવી બને એવી વકી છે.
ઉત્તર ભારતીય ચા ઉદ્યોગ પ્રતિકૂળ હવામાનને કારણે ચાલુ પાક વર્ષ જૂન સુધીમાં છ કરોડ કિલો ઉત્પાદનની અછતનો સામનો કરી રહ્યો છે. એક ચા સંસ્થાના જણાવ્યાનુસાર ગયા વર્ષના આ સમયગાળાની તુલનાએ દેશમાં ચાનું ઉત્પાદન ઘટી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે પહેલો અને બીજો પાક વર્ષની સૌથી ઊંચી ગુણવત્તાવાળી ચા પેદા કરે છે. એના નષ્ટ થવાથી ચા ઉત્પાદકોની આવક પર પ્રતિકૂળ અસર પડશે, જેથી ચાની કિંમતો વધે એવી શક્યતા છે.
આસામ અને પશ્ચિમ બંગાળ સહિત ઉત્તર ભારતનાં રાજ્યોમાં ભીષણ ગરમી અને વરસાદની અછતને કારણે ચાના ઉત્પાદનને માઠી અસર પહોંચી છે, જેને પગલે ચાના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઇન્ડિયન ટી એસોસિયેશન (TAI)ના અધ્યક્ષ સંદીપ સિંઘાનિયાએ જણાવ્યું હતું ગયા વર્ષની તુલનામાં જૂન સુધી ચાના સંયુક્ત પાકનું નુકસાન છ કરોડ કિલોગ્રામ થાય એવી શક્યતા છે.
આસામ અને પશ્ચિમ બંગાળના ચાના બગીચામાં મે, 2024 દરમ્યાન ગયા વર્ષની તુલનાએ પાકમાં ક્રમશઃ આશરે 20 ટકા અને 40 ટકાની ઘટ રહેવાનો અંદાજ છે.