પુણેઃ દેશની સૌથી મોટી ઇન્સ્યોરન્સ એગ્રિગ્રેટર પ્લેટફોર્મ પોલિસીબજારને એક-બે નહીં પાંચ નવા રોકાણકાર મળ્યા છે. પોલિસીબજારમાં જે કંપનીઓએ હિસ્સો ખરીદ્યો છે, એમાં કોરોનાની રસી બનાવતી દેશની સૌથી મોટી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પણ સામેલ છે. પોલિસીબજાર આ વર્ષે મૂડીબજારમાં IPO લાવવાની તૈયારીમાં છે.
પોલિસીબજારે IPOથી પહેલાં એના સૌથી મોટા રોકાણકારોમાંના એક પ્રાઇવેટ ઇક્વિટી ફંડ મેનેજર ટ્રુ નોર્થ ફંડે કંપનીમાં હિસ્સો ઘટાડ્યો છે. આ પહેલાં ટ્રુ નોર્થે ઓક્ટોબર, 2020માં કંપનીમાંનો કેટલોક હિસ્સો ઘટાડ્યો હતો. જોકે આનો ખુલાસો કંપનીએ નથી કર્યો. સીરમ ઇન્સ્ટિટ્યૂટ સિવાય પોલિસી બજારમાં જે રોકાણકારોએ ટ્રુ નોર્થથી હિસ્સો ખરીદ્યો છે, એમાં અશોકા ઇન્ડિયા ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ પીએલસી, ટ્રિમ્ફ ગ્લોબલ હોલ્ડિંગ્સ પીટીઈ, આઇઆઇએફએલ સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ સિરીઝ આઠ અને એકોર્ન ઇન્ડિયા ફંડ સામેલ છે. ટ્રુ નોર્થની ભાગીદાર દિવ્યા સહગલે કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી પોલિસીબજારની સાથે અમારી જબરદસ્ત ભાગીદારી છે, જે આગળ પણ ચાલુ રહેશે. કંપનીએ પડકારભરી માર્કેટ સ્થિતિમાં જબરદસ્ત પરિણામ આવ્યું છે.
પોલિસી બજારના CEO યાશિષ દહિયાએ કહ્યું હતું કે ટ્રુ નોર્થ સારી ભાગીદાર છે અને રહેશે. અમે પાર્શિયલ એક્ઝિટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. એનાથી નવા શેરહોલ્ડર્સને કંપની સાથે જોડાવાની તક મળશે. અમે કંપનીના બોર્ડમાં નવા શેરહોલ્ડર્સનું સ્વાગત કરીએ છીએ.
પોલિસી બજાર પ્રાઇમરી માર્કેટમાંથી રૂ. 3700 કરોડ એકત્ર કરવા માટે આ વર્ષે મે મહિનામાં IPO લાવશે. કંપની માર્કેટ નિયામક સેબી પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીનો IPOમાં સફળ થશે તો કંપનીનું વેલ્યુએશન રૂ. 26,000 કરોડથી વધુનું થશે.